અમદાવાદકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

મોરબીના યુવકના આપઘાત કેસમાં 3 આરોપીઓની ધરપકડ, જાણો ASIનું શું થયું

અમદાવાદ, 22 જુલાઈ 2024, મોરબીમાં પરિણીત યુવકના આપઘાતના કેસમાં અમદાવાદમાં મોટાપાયે અનૈતિક પ્રવૃત્તિઓ ચાલતી હોવાનો પર્દાફાશ થયો છે. અમદાવાદ શહેરના એક ASI અને મિઝોરમની મહિલા સહિતના ત્રણ લોકો સામે ફરિયાદ થઈ છે. જેમાં આરોપી તરીકે દર્શાવાયેલ ASI પણ હાલ ચર્ચામાં છે. મોરબી પોલીસે મિઝોરમની મહિલા સહિત ત્રણ આરોપીની કરેલી ધરપકડમાં અમદાવાદના કાફે માલિક સમગ્ર પ્રકરણના મુખ્ય આરોપી હોવાનું સામે આવ્યું છે. મોરબી સિરામીક સિટી એપાર્ટમેન્ટમાં ધ્રુવ મકવાણાએ ગત 11 જુલાઈના રોજ બપોરે ગળા ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. આપઘાતની ઘટનાની તપાસ દરમિયાન મૃતકે લખેલી એક ચીઠ્ઠી મળી આવી હતી.

ચાર મહિનાથી ધૃવીએ ભાડે રાખેલા ફલેટમાં રહેતા હતા
આ ચીઠ્ઠીમાં લખ્યું હતું કે, ધૃવીએ (નામ બદલ્યું છે) એ મારી જિંદગી બરબાદ કરી નાંખી છે. કાલે મેં તેનું અમદાવાદ એરપોર્ટથી બળજબરીપૂર્વક અપહરણ કર્યું હોવાના આક્ષેપ કર્યા હતા. અમદાવાદના થલતેજ પોલીસ સ્ટેશનના લાલજી ભરવાડ નામના ASI સાથે મળી આખો દિવસ એક કેફેમાં બેસાડી રાખી રૂપિયા પડાવી લીધા છે. મારો ફોન લાલજી ભરવાડ પાસે છે અને જબરદસ્તીથી ફોન વેચ્યો છે તેવું લખાણ મારી પાસે કરાવ્યું છે. ધૃવી મિઝોરમની છે અને સ્પામાં કામ કરતી બીના (નામ બદલ્યું છે) સાથે અનૈતિક પ્રવૃત્તિઓનો ધંધો ચલાવે છે.ધૃવીએ લગ્નની લાલચ આપી મારી પાસે પૈસા પડાવ્યા છે. ચાર મહિનાથી ધૃવીએ ભાડે રાખેલા ફલેટમાં રહેતા હતા. મોરબી બી ડિવિઝન પોલીસે આ મામલે ધૃવી, લાલજી ભરવાડ અને વિશાર બોરીચા સામે ગુનો નોંધ્યો હતો અને આ કેસની તપાસ ડીવાયએસપી પી. એ. ઝાલા ચલાવી રહ્યાં છે.

યુવતી માતાની બીમારીનું કારણ બતાવી મિઝોરમ ભાગી ગઈ
છેલ્લાં કેટલાક મહિનાઓથી ધૃવીના સંપર્કમાં આવેલા ધ્રુવ મકવાણાનું લગ્નજીવન ભાંગવાને આરે હતું. મોરબીના સિરામિક સિટીમાં ભાડાના ફલેટમાં ધ્રુવ અને ધૃવી સાથે રહેતા હતા. ધ્રુવ ધૃવી સાથે લગ્ન કરવા ઉતાવળો થયો હતો. ધૃવીની પાછળ ધ્રુવની બંને કાર વેચાઈ જતાં તે આર્થિક ભીડમાં આવી ગયો હતો અને તેના કારણે ધૃવી તેનાથી પીછો છોડાવવા માગતી હતી. તે માતાની બીમારીનું કારણ બતાવી મિઝોરમ ભાગી ગઈ હતી.તે અમદાવાદમાં સ્પા ચલાવતી તેની મિત્રને ફોન કરીને પરત ફરી હતી. ધૃવીના મોબાઈલ ફોનમાં ધ્રુવે કોઈ સ્પાયવેર નાંખ્યું હોવાથી તેની તમામ ગતિવિધિ-વાતચીતથી તે વાકેફ રહેતો હતો.અમદાવાદ એરપોર્ટ પર આવતાની સાથે જ ધૃવીને ધ્રુવ બળજબરીથી નજીકમાં આવેલા તલાવડી સર્કલ પાસેની હૉટલમાં લઈ ગયો હતો.

પોલીસે અમદાવાદમાં ત્રણ લોકોની ધરપકડ કરી
ધૃવીએ તેની બહેનપણી માટે લાવેલો સામાન આપવા જવાનું બહાનું કાઢી ધ્રુવને બોડકદેવમાં આવેલા ઈન્દિરા આવાસ યોજના ફલેટમાં લઈ ગઈ હતી. જ્યાં બે શખસો સ્થળ પર આવ્યા હતાં અને તે પૈકી એક શખસે પોતાની ઓળખ પોલીસ જમાદાર લાલજી ભરવાડ તરીકે આપી હતી. ધ્રુવને ફલેટમાં ગોંધી રાખી ધમકાવ્યા બાદ ધૃવીનો મોબાઈલ ફોન તોડ્યો હોવાથી 1 લાખ આપવા પડશે તેવી ધમકી આપી હતી. ત્યારબાદ ધ્રુવને કર્ઝ કાફે ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં ગોંધી રાખી 21 હજાર રૂપિયા ઑનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા.

અમદાવાદમાં સેક્સ રેકેટ ચાલતુ હોવાનો પર્દાફાશ
ધ્રુવનું અપહરણ કરી કાફેમાં ગોંધી રાખવાના CCTV ફૂટેજ પોલીસે મેળવ્યા છે. જ્યારે મૃત્તકનો મોબાઈલ ફોન હજુ સુધી મળી શક્યો નથી. તપાસમાં પોલીસ તરીકે ઓળખ આપનારો સંદિપ પ્રજાપતિ હોવાનું સામે આવ્યું છે. સંદિપ બોડકદેવના ઈન્દિરા આવાસ યોજનામાં અલગ અલગ માણસો થકી ત્રણ બ્લૉકમાં ભાડાના ફલેટમાં પરપ્રાંતીય યુવતીઓને રાખતો હોવાની માહિતી પોલીસને મળી છે. તે ઉપરાંત ફલેટમાં રહેતી યુવતીઓને સંદિપ પ્રજાપતિના ફોન પર સૂચના આપી જુદાજુદા ગ્રાહકો પાસે મોકલી સર્વિસ આપતો હોવાનો ઘટસ્ફોટ થયો છે.પોલીસ તપાસમાં ધૃવી ઉપરાંત સંદિપ પ્રજાપતિ અને સંદિપના માણસ પ્રદિપની ધરપકડ કરવામાં આવી છે. મોરબી પોલીસની તપાસમાં રૂપિયા પડાવનાર કાફે માલિકે પોલીસ જમાદાર તરીકેની ખોટી ઓળખ આપી હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચોઃઅમદાવાદમાં વિધવા મહિલા તાંત્રિકની જાળમાં ફસાઇ, રૂ.2.78 લાખ ગુમાવ્યા

Back to top button