અમદાવાદ, 4 માર્ચ 2024, ગુજરાતમાં સબ સલામતના દાવા વચ્ચે ચોરી અને લૂંટના કિસ્સાઓ વધી રહ્યાં છે. ચોરોની ટોળકીએ માત્ર મકાનો અને દુકાનો જ નહીં પણ ધાર્મિક સ્થાનોને ટાર્ગેટ કરવામાં કશું જ બાકી રાખ્યું નથી. ખુદ સરકારે કબૂલ કર્યું છે કે, છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યના મંદિરોમાં ચોરી અને લૂંટની 411 ઘટનાઓ બની છે. જેમાં કુલ 3.16 કરોડની ચોરી થઈ છે.
મંદિરોમાં ચોરીની કુલ 411 ઘટનાઓ બની
ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન ગૃહ વિભાગે કબૂલ કર્યું છે કે, રાજ્યમાં વર્ષ ૨૦૨૦થી માંડીને વર્ષ ૨૦૨૩ સુધીમાં મંદિરોમાં લૂંટ,ધાડ અને ચોરીની કુલ 411 ઘટનાઓ બની છે. જેમાં 430 આરોપીઓને પકડીને જેલમાં ધકેલ્યાં છે જ્યારે 40 આરોપીઓ હજી ફરાર છે. રાજ્યમાં મંદિરોમાં થયેલ લૂંટ અને ચોરીની પોલીસ ચોપડે નોંધાયેલ ફરિયાદ પ્રમાણે વર્ષ 2020માં 125, વર્ષ 2021માં 127, વર્ષ 2022માં 155 ઘટનાઓ બની છે. ગુજરાતમાં દર વર્ષે મંદિરોમાં લૂંટ અને ચોરીના 120થી વધુ કેસ પ્રકાશમાં આવે છે.
પોલીસ અને હોમગાર્ડના જવાનોના પોઈન્ટ ગોઠવવામાં આવ્યા
બીજી તરફ રાજ્યના ગૃહ વિભાગે વિધાનસભામાં એવો ખુલાસો કર્યો હતો કે, છેલ્લા ત્રણ વર્ષમાં રાજયના મંદિરોમાં 3.16 કરોડની રકમની ચોરી થઈ છે. ગૃહ વિભાગે વિપક્ષના આક્રમક દેખાવ સામે બચાવ કરતાં કહ્યું હતું કે, મંદિરો પર હવે સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે. શહેરો અને ગામડામાં પોલીસનું પેટ્રોલીંગ પણ વધારવામાં આવ્યુ છે. પોલીસ અને હોમગાર્ડના જવાનોના પોઈન્ટ ગોઠવવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃઅમદાવાદમાં પાલડીથી લો ગાર્ડન તરફ ટ્રાફિકની મુશ્કેલી દૂર થશે, CMએ અંડરપાસ ખુલ્લો મુક્યો