ટ્રેન્ડિંગવર્લ્ડ

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં એક બસ ખાઈમાં પડતા 28ના મૃત્યુ, 22 ઘાયલ

Text To Speech
  • પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં એક બસ રોડ પરથી ઉતરીને ખાઈમાં પડી જતાં 28ના થયા મૃત્યુ, બસ તુર્બતથી બલૂચિસ્તાનની રાજધાની ક્વેટા જઈ રહી હતી

કરાચી, 29 મે: પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં એક દર્દનાક માર્ગ અકસ્માત થયો છે. અહીં એક હાઈસ્પીડ પેસેન્જર બસ પલટી ખાઈ જતા ખાઈમાં જઈને પડી હતી. બસ ખાઈમાં પડવાથી બસમાં સવાર પેસેન્જર બાળકો અને મહિલાઓ સહિત 28 લોકોના મૃત્યુ થયા છે. મીડિયા રિપોર્ટ્સમાં આ જાણકારી આપવામાં આવી છે. બસ તુર્બતથી બલુચિસ્તાન પ્રાંતની રાજધાની ક્વેટા જઈ રહી હતી. બસ ક્વેટાથી લગભગ 700 કિમી દૂર વાશુક નગર પાસે ખાઈમાં પડી હતી. રિપોર્ટ અનુસાર આ દુર્ઘટના વધુ સ્પીડના કારણે થઈ છે. અકસ્માત બાદ સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બસમાં ફસાયેલા લોકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.

 Pakistan bus accident

બસનું ટાયર ફાટતા બસ ડ્રાયવરે કાબુ ગુમાવ્યો

જિયો ન્યૂઝે બચાવ અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે પેસેન્જર બસનું ટાયર ફાટવાને કારણે આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 28 લોકોના મૃત્યુ થયા છે અને લગભગ 22 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે બાસિમા સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. અકસ્માતની માહિતી મળતાં જ મૃતકના પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ છે. અકસ્માતની માહિતી મળતાં જ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને લોકોને બચાવ્યા હતા.

પાકિસ્તાનમાં રોડ અકસ્માતો સામાન્ય

પાકિસ્તાનમાં રોડ અકસ્માતો સામાન્ય છે, જ્યાં ટ્રાફિક નિયમો અને સલામતીના ધોરણોનું પાલન કરવામાં આવતું નથી. આ પહેલા 18 મેના રોજ પંજાબના ખુશાબ જિલ્લામાં એક ટ્રક ખાડામાં પડતા એક જ પરિવારના ઓછામાં ઓછા 13 લોકોના મૃત્યુ થયા હતા. આ અકસ્માતમાં અન્ય 9 લોકો ઘાયલ થયા હતા. અગાઉ 3 મેના રોજ ગિલગિટ બાલ્ટિસ્તાનમાં એક પેસેન્જર બસ સાંકડા રસ્તા પરથી લપસીને ખાઈમાં પડી જતાં ઓછામાં ઓછા 20 લોકોએ જીવ ગુમાવ્યા હતા જ્યારે 21 અન્ય ઘાયલ થયા હતા.

આ પણ વાંચો: આખા પાકિસ્તાનની GDP કરતાં બમણી રકમ તો ભારતની આ કંપની પાસે પૈસા છે, જાણો કઈ છે એ કંપની

Back to top button