ગુજરાત રાજ્ય લલીતકલા અકાદમી દ્વારા 27મી નેશનલ ફોટોગ્રાફી સ્પર્ધાનું આયોજન
- સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક ફોટોગ્રાફરે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ વિષયક કૃતિઓ રજૂ કરવાની રહેશે
- સ્પર્ધકોએ ૨૬ જાન્યુઆરીથી ૪ ફેબ્રુઆરી સુધીમાં પોતાની કૃતિઓ મોકલી આપવાની રહેશે
અમદાવાદ, 25 જાન્યુઆરી: ગુજરાત રાજ્ય લલીતકલા અકાદમી દ્વારા અમદાવાદ ખાતે 27મી નેશનલ ફોટોગ્રાફી સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. આ સ્પર્ધાનો વિષય એક ભારત શ્રેષ્ઠ ભારત રાખવામાં આવ્યો છે. આ સ્પર્ધા બ્લેક એન્ડ વ્હાઈટ અને કલર એમ બે વિભાગમાં યોજાશે, જેમાં બે વિભાગમાં વધુમાં વધુ પાંચ-પાંચ કૃતિઓ સ્પર્ધા માટે મોકલી શકાશે. ઉલ્લેખનીય છે કે, આ સ્પર્ધા સંપૂર્ણ ઓનલાઈન યોજાવાની હોવાથી ફોટોની પ્રીન્ટ મોકલવાની રહેશે નહી. પ્રત્યેક વિભાગમાં આઠ આઠ ઈનામો જાહેર કરવામાં આવશે અને નિર્ણાયકો દ્વારા પસંદગી પામેલી કૃતિઓનું પ્રદર્શન અમદાવાદ ખાતે યોજાશે તેમ ગુજરાત રાજ્ય લલીતકલા અકાદમીના સચિવની યાદીમાં જણાવાયું છે.
યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર, નેશનલ ફોટોગ્રાફી સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક ફોટોગ્રાફરે પોતાની કૃતિ તા. ૨૬ જાન્યુઆરીથી ૪ ફેબ્રુઆરી સુધીમાં ગુજરાત રાજ્ય લલીતકલા અકાદમીની વેબસાઈટ gujaratstatelalitkalaacademy.com પર આપેલા અરજીપત્રક ઓનલાઈન ભરીને કલાકૃતિના જરૂરી ફોટા તથા વિગતો સાથે ઓનલાઈન સબમિટ કરવાની રહેશે. પોસ્ટ કુરીયર રૂબરૂ મળેલી અરજીઓ સ્વીકારવામાં આવશે નહિં. આ બાબતે જરૂર જણાય તો કચેરી પરથી માહિતી મેળવી શકાશે.
આ પણ જુઓ: માજી સૈનિકો સીધી ભરતીમાં નિવૃતિના એક વર્ષ પહેલા કરી શકશે ઉમેદવારી, પરિપત્ર જાહેર