એજ્યુકેશનકચ્છ - સૌરાષ્ટ્રગુજરાત
શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના ૧૬મા પદવીદાન સમારંભમાં 27 પદક, 797 પદવી એનાયત
- રાજ્યપાલ અને કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં સમારોહ યોજાયો
- ૨૩ ગોલ્ડમેડલ અને ૪ સિલ્વરમેડલ મળી કુલ ૨૭ પદકો અને ૭૯૭ પદવી પ્રમાણપત્રો અપાયા
- સંસ્કૃત વિદ્વાન ડૉ. રાજેન્દ્ર પ્રસાદ શુક્લાને શ્રીમતી સરસ્વતીબેન જયંતિલાલ ભટ્ટ સંસ્કૃત વિદ્વાન-૨૦૨૪ પુરસ્કાર એનાયત
- સંસ્કૃત માટે આપણને દીનતા, હીનતા નહીં પરંતુ શ્રેષ્ઠતાનો ભાવ જગાવવો પડશેઃ રાજ્યપાલ દેવવ્રતજી
વેરાવળ, 15 ફેબ્રુઆરી, 2024, રાજ્યપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયનો ૧૬મો પદવીદાન સમારોહ આજે વેરાવળ ખાતે યોજાયો હતો, જ્યાં ૨૩ ગોલ્ડમેડલ (સુવર્ણ પદક) અને ૪ સિલ્વરમેડલ (રજત પદક) એમ કુલ ૨૭ જેટલા પદકો પણ એનાયત કરવામાં આવ્યા હતાં.
રાજ્યપાલે દીક્ષાંત સંબોધન કરતાં જણાવ્યું હતું કે, સંસ્કૃત એ વેદોની ભાષા છે, દેવોની ભાષા છે. સંસ્કૃતમાં અભ્યાસ કરવો તે કોઈ હીનતા કે દીનતાની વાત નથી, પરંતુ ગૌરવની વાત છે. સંસ્કૃત એ તમામ ભાષાઓની જનની છે. આજે કમ્પ્યુટર પણ સંસ્કૃત ભાષા સૌથી સારી રીતે સમજે છે. રાજ્યપાલે વિદ્યાર્થીઓને પ્રેરણા આપતાં કહ્યું કે, સંસ્કૃત એ દરેક પ્રકારની સજ્જ ભાષા છે. એ રીતે તે ખજાનાથી પરિપૂર્ણ ભાષા છે. જે લોકો સંસ્કૃત નથી જાણતા તે અભાગી છે.
આપણા વેદવિજ્ઞાન વિશે તેમણે જણાવ્યું કે, આજની પૃથ્વી બે અબજ વર્ષ જૂની છે. પશ્ચિમના અમુક વિજ્ઞાનીઓ એવું કહેતા હતા કે, પૃથ્વી ચપટી છે, ચોરસ છે. પરંતુ આપણા ઋષિ મુનિઓના શાસ્ત્રો દર્શાવે છે કે, સમગ્ર પૃથ્વી ગોળ છે અને આ કારણોસર જ તેના અભ્યાસને પણ ‘ભૂ-ગોળ’ કહીએ છીએ. જેમાં ખુદ ‘ગોળ’ શબ્દ ઈંગીત છે. આવા અલભ્ય અને ઐતિહાસિક જ્ઞાન વારસાનું આપણને ગૌરવ હોવું જોઈએ.
રાજ્યપાલે વધુમાં જણાવ્યું કે, ગુજરાતે સમયે સમયે દેશને અનેક મહાનુભાવો આપ્યા છે. આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભારતની ભવ્ય અને દિવ્ય વિરાસતને બચાવવાની સાથે જ ભૌતિક રીતે ઉન્નતિના માર્ગે અગ્રેસર બનાવી રહ્યા છે. એક મોટું કાર્ય પૂર્ણ થાય ત્યાં બીજુ મોટું કાર્ય ઉપાડે છે. દેશને વર્ષ 2047 સુધી વિકસિત બનાવવા માટે આપણે સારા નાગરિક તરીકેની ફરજ બજાવી આપણું યોગદાન આપીએ.
આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરિયા વર્ચ્યુઅલી જોડાયા હતા અને શુભેચ્છા સંદેશ પાઠવતાં જણાવ્યું હતું કે, સંસ્કૃતિ જીવંત રાખવાનો ભગીરથ પ્રયાસ એટલે સંસ્કૃત. જ્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ યુનિવર્સિટીનો પાયો નાખ્યો, ત્યારે એ દ્રષ્ટિથી પાયો નાખ્યો હતો કે સંસ્કૃતનું જતન એટલે સંસ્કૃતિનું જતન થાય. ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહાએ શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું કે, સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયે સંસ્કૃતનું અદ્યાપન અને અધ્યયન કરીને રાષ્ટ્રની મોટી સેવા કરી છે. આજે જ્યારે આર્ટિફિશ્યિલ ઈન્ટેલીજન્સ, ડીપફેક વગેરે શબ્દ અસ્તિત્વમાં આવ્યા છે. ત્યારે વર્તમાનમાં સંસ્કૃતના વિદ્યાર્થીઓએ પણ સંસ્કૃત શાસ્ત્રના અભ્યાસુ હોવાની સાથે તમામ અભ્યાસ કરવો જરૂરી છે. વિભિન્ન તમામ ક્ષેત્રમાં સંસ્કૃતના વિદ્યાર્થીઓ નિપુણતા કેળવે તેવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી.
સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના કુલપતિ સુકાન્તકુમાર સેનાપતિએ કહ્યું હતું કે, સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં વેદ, વેદાંગ, વ્યાકરણ, પુરાણ સહિતના વિષયોનું અધ્યયન અને અધ્યાપન ભારતીય પરંપરા મુજબ શાસ્ત્રોક્ત પદ્ધતિથી કરાવવામાં આવે છે. વિવિધ ક્ષેત્રોમાં વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓએ રાજ્ય સ્તરે અને દેશ સ્તરે યુનિવર્સિટીનું નામ રોશન કર્યું છે, તેની વિગતો આપી હતી. યુનિવર્સિટીના કુલસચિવ શ્રી દશરથ જાદવે આભારવિધિ કરી હતી.
આ પ્રસંગે શ્રી ગોપાલ કૃષ્ણ ટ્રસ્ટ, જૂનાગઢ તથા સંસ્કૃત યુનિવર્સિટી વચ્ચે થયેલા એમઓયુ અંતર્ગત દર વર્ષની જેમ આ વર્ષે પણ વ્યાકરણ વિષયનાં સંસ્કૃત વિદ્વાન ડૉ. રાજેન્દ્ર પ્રસાદ શુક્લાને શ્રીમતી સરસ્વતીબેન જયંતિલાલ ભટ્ટ સંસ્કૃત વિદ્વાન-૨૦૨૪ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ અવસરે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ શ્રી ડૉ. હર્ષદ પટેલ, વિવિધ વિદ્યાશાખાના ડીન, પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓના વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.