ભોપાલમાં ગેરકાયદેસર ચાલતા કન્યા ગૃહમાંથી 26 બાળકીઓ લાપતા
ભોપાલ, 06 જાન્યુઆરી: મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં ગેરકાયદેસર રીતે એક કન્યા ગૃહ ચલાવવામાં આવી રહ્યું છે, તપાસ કરતાં બહાર આવ્યું છે કે, ચિલ્ડ્રન હોમમાંથી 26 બાળકીઓ ગુમ થઈ છે. ખરેખર, કન્યા ગૃહમાં 68 છોકરીઓ રહેતી હતી, જ્યારે 41 છોકરીઓ સ્થળ પર હાજર હતી. આ કન્યા ગૃહમાં ગુજરાત, ઝારખંડ, રાજસ્થાન ઉપરાંત મધ્યપ્રદેશના સિહોર, રાયસેન, છિંદવાડા, બાલાઘાટના બાળકો રહેતા હતા. આ ચિલ્ડ્રન હોમ ભોપાલના પરવલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલે છે. ચોંકાવનારી વાત એ છે કે બાળકીઓના ગુમ થવા અંગે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી.
પોલીસે આ મામલે FIR નોંધી છે. તેમજ રાષ્ટ્રીય બાળ આયોગના અધ્યક્ષ પ્રિયંક કાનુન્ગોએ પણ મધ્યપ્રદેશના મુખ્ય સચિવ વીરા રાણાને આ મામલે પત્ર લખ્યો છે. નેશનલ કમિશન ફૉર પ્રોટેક્શન ઑફ ચાઈલ્ડ રાઈટ્સના અધ્યક્ષ પ્રિયંક કાનુન્ગોએ મુખ્ય સચિવને પત્ર લખીને જણાવ્યું હતું કે ભોપાલમાં આંચલ ચિલ્ડ્રન હોમનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમણે ચિલ્ડ્રન હોમના અધિકારીઓ અને ચિલ્ડ્રન હોમમાં હાજર બાળકો સાથે વાતચીત કરી હતી. તપાસ કરતાં માલૂમ પડ્યું કે, આ ચિલ્ડ્રન હોમ કોઈ પણ સરકારી માન્યતા ધરાવતું નથી. ચિલ્ડ્રન હોમની યાદીમાં 68 નિવાસી છોકરીઓ રજિસ્ટ્રડ હતી. તપાસ દરમિયાન માત્ર 41 છોકરીઓ મળી આવી હતી. તમામ છોકરીઓ બાળ કલ્યાણ સમિતિના આદેશ વિના અહીંયા રહે છે.
પૂર્વ CMએ આ અંગે ચિંતા વ્યક્ત કરી
भोपाल के परवलिया थाना क्षेत्र में बिना अनुमति संचालित बालगृह से 26 बालिकाओं के गायब होने का मामला मेरे संज्ञान में आया है।
मामले की गंभीरता तथा संवेदनशीलता को देखते हुए सरकार से संज्ञान लेने एवं त्वरित कार्रवाई करने का आग्रह करता हूं।
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) January 6, 2024
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ આ મામલે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે X પર લખ્યું છે કે ભોપાલના પરવલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરવાનગી વિના સંચાલિત ચિલ્ડ્રન હોમમાંથી 26 બાળકીઓના ગાયબ થવાનો મામલો સામે આવ્યો છે. મામલાની ગંભીરતા અને સંવેદનશીલતાને ધ્યાનમાં લઈને હું સરકારને સંજ્ઞાન લઈને તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરું છું. બીજી તરફ, ચિલ્ડ્રન હોમનું રજીસ્ટ્રેશન પણ નથી. આ અંગે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઑફ ચાઈલ્ડ રાઈટ્સના અધ્યક્ષ પ્રિયંક કાનુન્ગોએ મુખ્ય સચિવ વીરા રાણાને પત્ર લખ્યો છે. તેમજ સાત દિવસમાં તપાસ રિપોર્ટ માંગવામાં આવ્યો છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: ગુજરાતમાંથી છેલ્લા ત્રણ વર્ષમાં મહિલાઓ-છોકરીઓ ગુમ થવાનો આંકડો જાણી ચોંકી જશો