છેલ્લા પાંચ વર્ષમાં પીએમ મોદીના વિદેશ પ્રવાસો પર 2,54,87,01,373 રૂપિયાનો થયો ખર્ચ

નવી દિલ્હી: વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી હતી કે છેલ્લા પાંચ વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ યાત્રાઓ પર 254.87 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.
રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહના લેખિત પ્રશ્નના જવાબમાં વિદેશ રાજ્ય મંત્રી વી. મુરલીધરને ગુરુવારે (20 જુલાઈ) જણાવ્યું હતું કે, “ઉપલબ્ધ માહિતી મુજબ પાછલા પાંચ વર્ષમાં વડાપ્રધાનની વિદેશ યાત્રા પર 2,54,87,01,373 રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે.”
આ વર્ષે ફેબ્રુઆરીમાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને વિદેશ મંત્રીના વિદેશ પ્રવાસો પર થયેલા ખર્ચ અંગે રાજ્યસભામાં એક લેખિત પ્રશ્નના જવાબમાં 21 ફેબ્રુઆરી, 2019 અને 16 નવેમ્બર, 2022 વચ્ચે મોદીની વિદેશ યાત્રાઓ પર 22 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
જવાબમાં કહેવામાં આવ્યું છે કે, “ભારત સરકારે રાષ્ટ્રપતિની મુલાકાતો માટે 6,24,31,424 રૂપિયા, વડાપ્રધાનની મુલાકાતો માટે 22,76,76,934 રૂપિયા અને વિદેશ મંત્રીની વિદેશ મુલાકાતો માટે 20,87,01,475 રૂપિયા ખર્ચ્યા છે.”
લેખિત જવાબમાં મોદીએ આ સમયગાળા દરમિયાન મુલાકાત લીધેલા 21 દેશોની યાદી પણ સામેલ છે. સીપીઆઈ(એમ)ના સાંસદ વી. શિવદાસનના લેખિત પ્રશ્નના જવાબમાં મુરલીધરને કહ્યું, “ઉપલબ્ધ માહિતી મુજબ ફેબ્રુઆરી 2021થી જૂન 2023 સુધી વડાપ્રધાનની વિદેશ યાત્રા પર રૂ. 30,80,47,075 ખર્ચ કરવામાં આવ્યા હતા.”
મંત્રાલયના જવાબમાં આ સમયગાળા દરમિયાન વડા પ્રધાનની 20 વિદેશી મુલાકાતોની પણ સૂચિ છે, જેમાં 26-27 માર્ચ 2021ના રોજ બાંગ્લાદેશની તેમની મુલાકાતથી લઈને 20-25 જૂન, 2023 દરમિયાન યુએસ અને ઇજિપ્તની મુલાકાતનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો- મણિપુરમાં હિંસા યથાવત: મહિલાઓના નેતૃત્વમાં ટોળાએ ખાલી મકાનો અને શાળાને ચાંપી આગ
ગુરુવારે એક અલગ જવાબમાં વિદેશ મંત્રાલયે એ પણ માહિતી આપી કે ફેબ્રુઆરી 2021થી જૂન 2023 વચ્ચે મોદીની વિદેશ યાત્રાઓ પર 30 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ બંને નિવેદનો દર્શાવે છે કે ફેબ્રુઆરી 2019 અને જૂન 2023 વચ્ચે વડાપ્રધાનની વિદેશ યાત્રાઓ પર લગભગ 50 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જોકે, છેલ્લા પાંચ વર્ષમાં ખર્ચ અંગેના પ્રશ્નનો જવાબ 254 કરોડ રૂપિયા ખર્ચ થયો હોવાનું દર્શાવે છે.
2018માં તત્કાલીન વિદેશ રાજ્ય મંત્રી વીકે સિંહના નિવેદન અનુસાર, 19 જુલાઈ, 2018ના રોજ રાજ્યસભામાં અહેવાલ આપવામાં આવ્યો હતો કે, 15 જૂન, 2014 અને 10 જૂન, 2018 વચ્ચે મોદીની વિદેશ યાત્રાઓ પર રૂ. 1,484 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
પીએમ ઈન્ડિયાની વેબસાઈટ પર ઉપલબ્ધ વિગતો અનુસાર, 2014માં પહેલીવાર વડાપ્રધાન બન્યા બાદ મોદી 71 વિદેશ યાત્રાઓ પર ગયા હતા.
વેબસાઈટમાં મોદીની વિદેશ મુલાકાતોની યાદી આપવામાં આવી છે – જૂન 2014માં ભૂટાનની તેમની પ્રથમ યાત્રાથી લઈને ગયા મહિને તેમની યુએસ અને ઈજિપ્તની યાત્રા સુધીની યાદી આપવામાં આવી છે. ત્યાર પછી મોદી આ મહિને ફ્રાન્સ અને યુએઈની મુલાકાત કરી ચૂક્યા છે.
PM India વેબસાઇટ પર ઉપલબ્ધ ડેટા અનુસાર, પીએમ મોદીની સરખામણીમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે મે 2004થી મે 2014 વચ્ચેના તેમના કાર્યકાળ દરમિયાન 73 દેશોની મુલાકાત લીધી હતી, .
વિપક્ષે છેલ્લા નવ વર્ષમાં મોદીની વારંવારની વિદેશ યાત્રાઓ પર સવાલ ઉઠાવ્યા છે. વિપક્ષે તાજેતરના મહિનાઓમાં મોદીની વિદેશ મુલાકાતો પર પણ સવાલો ઉઠાવ્યા છે કે આ મુલાકાતોમાં ગૌતમ અદાણી કેટલી વખત મોદીની સાથે હતા.
અમેરિકન ફાઇનાન્શિયલ રિસર્ચ ફર્મ હિંડનબર્ગ રિસર્ચ દ્વારા દાવો કરવામાં આવ્યો છે તેમ અદાણી જૂથ દ્વારા કથિત શેરબજારમાં છેતરપિંડી અંગે વિપક્ષે સંયુક્ત સંસદીય તપાસની માંગણી કર્યા પછી આ પ્રશ્નો ઉભા થયા હતા.
આ પણ વાંચો- કોરોના પછી યુવાનોના અચાનક મૃત્યુના કારણની પુષ્ટિ કરવા માટે કોઈ પુરાવા નથી: આરોગ્ય મંત્રાલય