થાઈલેન્ડનું કહીને 25 ભારતીય યુવકોને લાઓસ લઈ જવાયા, સાયબર ફ્રૉડ કરવા માટે કર્યા મજબૂર
મુંબઈ, 27 માર્ચ: ભારતીયોને થાઈલેન્ડ લઈ જઈને નોકરીના બહાને છેતરતી ગેંગનો મુંબઈ પોલીસે પર્દાફાશ કર્યો છે. આરોપ છે કે ઊંચા પગારની નોકરીની લાલચે 25 યુવાનોને થાઈલેન્ડનું કહીને લાઓસ લઈ જવામાં આવ્યા હતા. તેઓને ત્યાં સાયબર ક્રાઇમ કરવા માટે મજબૂર કરાયા હતા. પોલીસે કહ્યું છે કે આ કેસમાં જેરી જેકબ અને તેના પાર્ટનર ગોડફ્રે અલ્વારેસની ધરપકડ કરાઈ છે. પોલીસ FIRમાં સની નામના અન્ય એજન્ટનું પણ નામ સામેલ છે.
શું છે સમગ્ર મામલો?
પોલીસ અધિકારીએ કહ્યું છે કે આ ફ્રૉડ રેકેટ સામે 23 માર્ચે કેસ નોંધવામાં આવ્યો હતો. જેકબ આ રેકેટનો માસ્ટરમાઇન્ડ છે. પોલીસના જણાવ્યા અનુસાર, ફરિયાદી સિદ્ધાર્થ યાદવ અને થાણેના અન્ય ત્રણ લોકો આ છેતરપિંડીનો ભોગ બન્યા હતા. યાદવે પોલીસને જણાવ્યું કે તે ડિસેમ્બર 2022માં સારા પૈસા કમાવવાની આશામાં થાઈલેન્ડ ગયો હતો પરંતુ તેને થાઈલેન્ડની બોર્ડર પાસે લાઓસ લઈ જવામાં આવ્યો હતો. આ તમામ ભારતીય દૂતાવાસની મદદથી ત્યાંથી ભારત પરત ફરવામાં સફળ રહ્યા છે.
બે ડઝન ભારતીયોને કામ કરવા મજબૂર કર્યા
પોલીસના જણાવ્યા અનુસાર, જેકબ, અલ્વારેસ અને સનીએ કથિત રીતે યાદવ અને લગભગ બે ડઝન ભારતીયોને લાઓસ પહોંચાડ્યા હતા. અહીં તેમને એક કૉલ સેન્ટરમાં કામ કરાવવામાં આવ્યું હતું. ત્રણેય આરોપીઓએ નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવીને યુરોપ, અમેરિકા અને કેનેડામાં લોકોને છેતર્યા હતા. આરોપીઓ કૉલ સેન્ટરના કર્મચારીઓને નજીવી બાબતો માટે ભારે દંડ ફટકારતા હતા. ફરિયાદી સિદ્ધાર્થ યાદવે કહ્યું કે, જ્યારે તે અને અન્ય ત્રણ લાઓસમાં ભારતીય દૂતાવાસ પહોંચ્યા ત્યારે આરોપીઓએ તેમને માર માર્યો હતો. અધિકારીએ જણાવ્યું કે ભારતીય દૂતાવાસની દરમિયાનગીરી બાદ સ્થાનિક પોલીસે યાદવ સહિત યુવાનોને બચાવી લીધા.
પોલીસે આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતા અને ઈમિગ્રેશન એક્ટ હેઠળ ફોજદારી ધાકધમકી, ખોટી રીતે કેદ, હેરફેર અને છેતરપિંડીનો કેસ નોંધ્યો છે. એક અધિકારીએ જણાવ્યું કે બંને આરોપીઓ તેમના પરિવારના સભ્યોને મળવા માટે શહેરમાં આવ્યા હતા, જ્યારે પોલીસે સોમવારે સાંજે તેમની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે તેઓ થોડા દિવસોમાં દેશ છોડીને ભાગી જવાના પ્રયાસોમાં હતા.
છેલ્લા ચાર વર્ષથી જોબ રેકેટ ચાલી રહ્યું હતું
ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ વિશાલ ઠાકુરે જણાવ્યું કે, ક્રાઇમ બ્રાન્ચની ટીમને માહિતી મળી હતી કે આરોપીઓ છેલ્લા ચાર વર્ષથી નોકરીનું રેકેટ ચલાવી રહ્યા હતા. લાઓસથી પાછા ફર્યા બાદ અત્યાર સુધીમાં 10થી વધુ પીડિતોએ મુંબઈ પોલીસનો સંપર્ક કર્યો છે. આ ઉપરાંત, તેમને શંકા છે કે ગેંગના સભ્યોએ છેલ્લા કેટલાક વર્ષોમાં દેશભરના 100થી વધુ બેરોજગાર યુવાનોને વિદેશમાં નોકરીની લાલચ આપીને છેતર્યા છે. હાલમાં, ધરપકડ કરાયેલા બંને આરોપીઓને મંગળવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી બંનેને 30 માર્ચ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. જો કે, આ અંગે પોલીસે વધુ તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો: ગુજરાતના યુવાનો ચેતજો, વિદેશમાં જોબ અપાવવાના બહાને થાય છે લાખો રૂપિયાની છેતરપિંડી