24,010 કરોડની કરચોરી અને 21,791 નકલી રજિસ્ટ્રેશન ઝડપાયા : નાણામંત્રી સીતારમન
- રાજ્યસભામાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમનનું સત્તાવાર નિવેદન
- 21 હજારથી વધુના નકલી GST રજિસ્ટ્રેશન-24 હજાર કરોડની કરચોરી ઝડપાઈ : નાણામંત્રી
- કરદાતાઓનાં હિતો જાળવવા અને મુશ્કેલીઓ નિવારવા માટે GST વિભાગ કાર્યરત : નાણામંત્રી
નવી દિલ્હી, 6 ડિસેમ્બર : દેશમાં કેન્દ્ર સરકારના GST વિભાગ દ્વારા છેલ્લા બે મહિનાથી ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં GST વિભાગે જીએસટીનાં ૨૧ હજારથી વધુના બોગસ રજિસ્ટ્રેશન તેમજ રૂ. ૨૪ હજાર કરોડની કરચોરી ઝડપી પાડી હોવાનું કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રાજ્યસભામાં એક લેખિત જવાબમાં કહેવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય નાણામંત્રી સીતારમન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પ્રામાણિક કરદાતાઓનાં હિતો જાળવવા તેમજ કરદાતાઓની મુશ્કેલીઓ નિવારવા માટે GST વિભાગ દ્વારા વખતોવખત સૂચનાઓ આપવામાં આવી રહી છે અને અધિકારીઓને તેમની સત્તાનો ઉપયોગ કરતી વખતે યોગ્ય કાળજી રાખવા કહેવામાં આવી રહ્યું છે. ખાસ કરીને સમન્સ ફાળવતી વખતે તેમજ પ્રોપર્ટી જપ્ત કરતી વખતે અને ટેક્સ ક્રેડિટ બ્લોક કરતી વખતે સાવધાની રાખવા અને કાળજી રાખવા GST વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.
૨૧,૭૯૧ કંપનીઓ એવી કે જેનું કોઈ અસ્તિત્વ જ નહીં !
GSTના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવતા કુલ ૨૧,૭૯૧ કંપનીઓ જેમણે GSTનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું તેવી કંપનીઓ અસ્તિત્વ જ ધરાવતી નથી તેમ જાણવા મળ્યું હતું. આમાં સ્ટેટ ટેક્સ સત્તાવાળાઓ હેઠળની ૧૧, ૩૯૨ અને CBIC હેઠળની ૧૦,૩૯૯ કંપનીઓએ બોગસ રજિસ્ટ્રેશન કરાવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. કંપનીઓ દ્વારા કરવામાં આવેલી કુલ ૨૪,૦૧૦ કરોડની કરચોરી પકડવામાં આવી હતી. જેમાં રાજ્ય સ્તરે રૂ. ૮૮૦૫ કરોડની અને કેન્દ્ર સ્તરે રૂ. ૧૫,૨૦૫ કરોડની કરચોરી કરાઈ હતી. GST અધિકારીઓ દ્વારા ૧૬મી મેથી ૧૫ જુલાઈ સુધી હાથ ધરાયેલી ખાસ ઝુંબેશમાં બોગસ રજિસ્ટ્રેશન અને કરચોરી ઝડપાઈ હતી.
GSTના નિયમોને વધુ મજબુત બનાવવા રજિસ્ટ્રેશનની પ્રોસેસમાં સુધારા કરવામાં આવ્યા છે. જેમાં બાયો મેટ્રિક્સને આધારે ઓથેન્ટિકેશન કરવાની સાથે દસ્તાવેજોની અસલ કોપીની ચકાસણીનો સમાવેશ થાય છે. ગુજરાતમાં આ માટે જુલાઈમાં પાયલટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો જે હવે યુનિયન ટેરેટરી પુડ્ડચેરીમાં હાથ ધરવામાં આવ્યો છે અને આ પ્રોજેક્ટ નવેમ્બર મહિનામાં આંધ્રપ્રદેશમાં પણ શરૂ કરવામાં આવ્યો છે. રજિસ્ટ્રેશનની મંજૂરીના ૩૦ દિવસમાં કે આઉટવર્ડ સપ્લાય સ્ટેટમેન્ટ રજૂ કરતા પહેલામાંથી જે પહેલું હોય તે રીતે બેન્ક ખાતાની વિગતો, રજિસ્ટર્ડ વ્યક્તિનું નામ અને પાન નંબરની વિગતો રજૂ કરવાની રહેશે. જે વ્યક્તિ કે સંસ્થા દ્વારા બેન્ક ખાતાની વિગતો જાહેર કરાઈ નહીં હોય તેને સિસ્ટમ દ્વારા આપોઆપ સસ્પેન્ડ કરાશે.
૧.૨ લાખ કરોડની GST ચોરીમાં ગેમિંગ કંપનીઓને પણ નોટિસ પાઠવાઈ
કેન્દ્રીય નાણામંત્રાલય દ્વારા મંગળવારના રોજ જણાવવામાં આવ્યું હતું કે, નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ અને ૨૩-૨૪ દરમિયાન રૂ. ૧.૨૦ લાખ કરોડથી વધુની GSTની ચોરીના આરોપોના સંદર્ભમાં ઓનલાઈન ગેમિંગ કંપનીઓને ૭૧ જેટલી કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. જ્યારે ચાલુ નાણાકીય વર્ષમાં ઓક્ટોબર ૨૦૨૩ સુધીમાં કેન્દ્રના GST અધિકારીઓ દ્વારા કુલ રૂપિયા ૧.૫૧ લાખ કરોડની ગુડ્ઝ એન્ડ સર્વિસિસ ટેક્સની ચોરી પકડી પાડવામાં આવી છે. જેમાં છેતરપિંડી કરનારા ૧૫૪ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં રૂપિયા ૧૮,૫૪૧ કરોડની રિકવરી કરવામાં આવી હતી.
આ પણ જાણો :ગુજરાત: વેપારીઓ પર SGSTના દરોડા, રૂ. 22 કરોડની કરચોરી પકડાઈ