ચૂંટણી રંગોળી: મણિપુરમાં 24 હજારથી વધુ વિસ્થાપિત લોકો રાહત શિબિરમાંથી કરશે મતદાન
નવી દિલ્હી, 07 એપ્રિલ: ચૂંટણી પંચ હિંસાગ્રસ્ત મણિપુરમાં લોકસભા ચૂંટણી કરાવવાના પડકારરૂપ કાર્ય માટે તૈયારી કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે અગિયાર મહિનાના સંઘર્ષને કારણે અહીંથી 50,000થી વધુ લોકો વિસ્થાપિત થયા છે અને તેના કારણે ઘણા લોકોમાં ચૂંટણી વિરોધી ભાવના છે. મુખ્ય ચૂંટણી અધિકારી પ્રદીપ કુમાર ઝાએ જણાવ્યું હતું કે 24,500થી વધુ વિસ્થાપિત લોકોને આગામી ચૂંટણીમાં મત આપવા માટે પાત્ર તરીકે ઓળખવામાં આવ્યા છે અને તેમના માટે રાહત શિબિરોમાંથી તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
મણિપુરમાં 2,955 મતદાન મથકો બનાવાયા
પ્રદીપ કુમાર ઝાએ કહ્યું કે, લોકસભા ચૂંટણી માટે રાજ્યમાં કુલ 2,955 મતદાન મથકો સ્થાપિત કરવામાં આવ્યા છે, જેમાંથી 50%ને સંવેદનશીલ તરીકે ચિહ્નિત કરવામાં આવ્યા છે. અમે આંતરિક રીતે વિસ્થાપિત લોકોને મતદાનની સુવિધા પૂરી પાડવા માટે 94 વિશેષ મતદાન મથકો પણ સ્થાપી રહ્યા છીએ. તેમણે કહ્યું, અમે વિશેષ ટીમો બનાવી છે જેઓ આ મતદારો સાથે વાત કરશે અને અમે મતદાન જાગૃતિ સંબંધિત કામ પણ શરૂ કર્યું છે.
ગયા વર્ષે જાતીય સંઘર્ષમાં 219 લોકો મૃત્યુને ભેટ્યા
અનુસૂચિત જનજાતિ (એસટી)નો દરજ્જો આપવાની મેઇતેઈ સમુદાયની માંગની વિરોધમાં પહાડી જિલ્લામાં આદિવાસી એકતા કૂચના આયોજન બાદ હિંસા ફાટી નીકળી હતી. ગયા વર્ષે મે મહિના શરૂ થયેલા જાતીય સંઘર્ષમાં અત્યાર સુધી 219 લોકો માર્યા ગયા છે. 50,000થી વધુ આંતરિક રીતે વિસ્થાપિત લોકો અત્યારે પાંચ ખીણ જિલ્લા અને ત્રણ પહાડી જિલ્લાઓમાં રાહત કેન્દ્રમાં રહે છે.
મણિપુરમાં 20 લાખથી વધુ મતદારો
મણિપુરમાં 19 અને 26 એપ્રિલના રોજ બે તબક્કામાં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં વિસ્થાપિત વસ્તીના મતદાનની વ્યવસ્થા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ઘણા નાગરિક સમાજ જૂથો અને અસરગ્રસ્ત લોકો સંઘર્ષગ્રસ્ત રાજ્યમાં ચૂંટણીની સુસંગતતા અંગે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. ઘણા લોકો ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ માંગ કરી રહ્યા છે. આંકડાઓ શેર કરતાં ઝાએ કહ્યું કે રાજ્યમાં 20 લાખથી વધુ મતદારો છે અને મહિલા મતદારોની સંખ્યા પુરૂષ મતદારો કરતાં વધુ છે. રાજ્યમાં ચૂંટણી માટે સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે અર્ધલશ્કરી દળોની 200થી વધુ કંપનીઓ ફાળવવામાં આવી છે. જેનાથી સુરક્ષિત રીતે મતદાન થઈ શકે છે.
આ પણ વાંચો: ચૂંટણીના બીજા તબક્કા માટે નોમિનેશન પ્રક્રિયા પૂર્ણ: જાણો ક્યાં દિગ્ગજ નેતાઓ મેદાનમાં?