
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન ‘મિશન કર્મયોગી’ અન્વયે નોર્થ ઇસ્ટ સ્ટેટ અરૂણાચલ પ્રદેશના સિવીલ સર્વીસીસના 24 તાલીમી અધિકારીઓ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં મુલાકાત કરી પ્રેરક માર્ગદર્શન મેળવ્યું છે. તેમાં મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના ગરીબ-અંત્યોદયલક્ષી કાર્યક્રમોની સફળતા વર્ણવી છે. ગુજરાતના એક સપ્તાહના પ્રવાસ દરમ્યાન સ્ટેચ્યુ ઓફ યુનિટિ અને અમૂલ ડેરી- સરદાર પટેલ મેમોરિયલ કરમસદ સહિત અમદાવાદ-વડોદરા મહાનગરપાલિકાની સિટીઝન સેન્ટ્રિક સર્વીસીસ-જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી-પ્રધાનમંત્રી આવાસ યોજના-સ્કીલ ડેવલપમેન્ટ ઇનીશ્યેટીવ્ઝ વગેરેની કામગીરી નિહાળી વિસ્તૃત જાણકારી તાલીમી અધિકારીઓ મેળવશે.
આ પણ વાંચો: ગુજરાતમાં કોરોનાનો પગપેસારો, આ શહેરમાં વિદેશથી આવેલ યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
24 તાલીમી અધિકારીઓ ગુજરાતના સાપ્તાહિક પ્રવાસે
આ તાલીમ કાર્યક્રમ દરમ્યાન દેશના જુદા જુદા રાજ્યોના અધિકારીઓ અન્ય રાજ્યોના પ્રવાસ-મુલાકાત દ્વારા પ્રશાસનિક વ્યવસ્થાઓ, જનહિત અને પ્રજાલક્ષી કાર્યક્રમોના અમલીકરણ તથા પરિણામલક્ષી સફળતાથી પરિચિત થાય તે હેતુસર જે-તે રાજ્યોના પ્રવાસ યોજવામાં આવે છે. તદઅનુસાર, નોર્થ ઇસ્ટ રાજ્ય અરૂણાચલ પ્રદેશના આ 24 તાલીમી અધિકારીઓ ગુજરાતના સાપ્તાહિક પ્રવાસે આવેલા છે. જેમાં ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં ખાસ કરીને સોલાર એનર્જીની વ્યાપક ઉપયોગથી લોકોને નિઃશુલ્ક વીજળી મેળવવા સાથે પોતાના ઉપયોગ બાદ વધારાની આવી વીજળી વેચીને આવકનું માધ્યમ પણ આ સૌર ઊર્જા કઇ રીતે બની શકે તેની વિસ્તૃત સમજ આ અધિકારીઓને આપી હતી.
જનસેવા કેન્દ્રની ગતિવિધિઓથી પરિચિત થશે
મુખ્યમંત્રીએ આ તાલીમી અધિકારીઓને શિખ આપતાં કહ્યું કે, સામાન્ય માનવીને કોઇ અગવડતા સરકાર સાથેના કામકાજમાં ન પડે તથા પ્રજાહિત યોજનાઓનો યોગ્ય લાભ લોકોને મળે તેવા સેવા દાયિત્વથી તેઓ ફરજ રત રહેશે તો સફળતા અને લોકચાહના બેય અવશ્ય મળશે જ. આ તાલીમી અધિકારીઓ ગુજરાતમાં તેમના સાપ્તાહિક પ્રવાસ દરમ્યાન સ્ટેચ્યુ ઓફ યુનિટિ, સરદાર વલ્લભભાઇ પટેલ મેમોરિયલ, અમૂલ ડેરી તથા રિલાયન્સ રિફાઇનરીની મુલાકાત ઉપરાંત અમદાવાદ અને વડોદરા મહાનગરપાલિકાના સિટી સિવીક સેન્ટર, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ, સોલાર પાવર જનરેશન, જનસેવા કેન્દ્રની ગતિવિધિઓથી પરિચિત થશે.
આ પણ વાંચો: સાવધાન: ગુજરાતના આ શહેરમાં કોરોનાના બી.એફ.7 વેરીએન્ટનો પહેલો કેસ નોંધાયો
ગ્રામીણ વિકાસ કામોની સાઇટ વિઝીટ અને લોકો સાથે સંવાદ કરશે
આ ઉપરાંત જામનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની કામગીરી, ગ્રામીણ વિકાસ કામોની સાઇટ વિઝીટ અને લોકો સાથે સંવાદ તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્કીલ ડેવલપમેન્ટ ઇનીશ્યેટીવ્ઝ, મનરેગા વગેરેની કામગીરીથી પણ માહિતગાર થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે અરૂણાચલ પ્રદેશના આ તાલીમી અધિકારીઓની મુલાકાત બેઠકમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, ‘સ્પીપા’ અમદાવાદના ડાયરેક્ટર જનરલ આર.સી.મીના તથા મુખ્યમંત્રીના સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ ઉપસ્થિત રહ્યા હતા. આ 24 તાલીમી અધિકારીઓ તા.27 ડિસેમ્બરે, લાલ બહાદૂર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમીનીસ્ટ્રેશન, મસૂરી પરત જશે.