થાઈલેન્ડમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટઃ 23 લોકોએ જીવ ગુમાવ્યા
બેંગ કોક (થાઈલેન્ડ), 17 જાન્યુઆરી: થાઈલેન્ડમાં ફટાકડાની ફેકટરીમાં જોરદાર વિસ્ફોટ થયો છે. થાઈ PBS વર્લ્ડ મુજબ, આ વિસ્ફોટમાં 23 લોકો મૃત્યુ પામ્યા છે. સુફાન બુરી પ્રાંતના સુઆન તૈંગ જિલ્લામાં આજે બપોરે ફટાકડાની એક ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો જેમાં અનેક લોકો ઘાયલ થયા છે. આ ફેક્ટરી લાઈસન્સ ધરાવતી હતી અને રહેણાંક વિસ્તારથી દૂર હતી જેથી આસપાસ મોટા પ્રમાણમાં નુકસાન થયું નથી. જો કે, વિસ્ફોટનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. તેમજ ફાયર વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
BREAKING – Firework factory explosion in Suan Taeng sub-district of Suphan Buri province reportedly kills 23 people. pic.twitter.com/mJwcTTU9wH
— Thai PBS World (@ThaiPBSWorld) January 17, 2024
કહેવામાં આવી રહ્યું છે કે, મૃતકોની સંખ્યા વધી શકે છે. આ આગથી એવા સમયે નુકસાન થયું છે જ્યારે ફેબ્રુઆરીમાં ચાઈનીઝ નવા વર્ષ દરમિયાન ફટાકડાની માંગ પ્રબળ રહે છે. આગના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે પ્રમાણે ફેક્ટરી સંપૂર્ણપણ બળીને ખાક થઈ ગઈ છે.
અગાઉ પણ ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો
થાઈલેન્ડમાં ફટાકડાની ફેક્ટરીમાં આ પહેલા પણ મોટો બ્લાસ્ટ થઈ ચૂક્યો છે. ગયા વર્ષે જુલાઈમાં થાઈલેન્ડમાં ફટાકડાની ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં 9 લોકોના મૃત્યુ થયા હતા અને 115થી વધુ લોકો ઘાયલ થયા હતા. નરાથીવાસ પ્રાંતના સુંગાઈ કોલોક શહેરમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટના સંદર્ભમાં મીડિયા સાથે વાત કરતા તે સમયે શહેરના ગવર્નર સેનન પોન્ગાકસોર્ને કહ્યું હતું કે 115 લોકો ઘાયલ થયા છે, જેમાંથી ઘણાની હાલત નાજુક હતી.
આ પણ વાંચો: લો હવે નકલી કુરિયર કૌભાંડ પણ થાય છે! કેવી રીતે બચશો?