રાજકોટ જિલ્લાની 8 બેઠક પર 23 લાખ મતદાર, 13 હજારથી વધુ સરકારી કર્મીઓ ચૂંટણી ડ્યૂટી માટે તહેનાત; 2253 મતદાન કેન્દ્ર તૈયાર કરાશે
રાજકોટઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. ચૂંટણીની તારીખો જાહેર થતાંની સાથે જ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. રાજકોટની 8 બેઠકો પર 1લી ડિસેમ્બરે મતદાન થશે. ત્યારે મતદાને ધ્યાનમાં રાખીને 24 સ્ટેટીક-ફ્લાઈંગ ટીમ તૈનાત કરી દેવામાં આવી છે, જ્યારે 11 નવી ચોકી કાર્યરત કરાશે. પોલીસ-જિલ્લા વહિવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. રાજકોટની 8 બેઠકોમાં 23 લાખ મતદારો મતદાન કરશે. જે માટે 13 હજારથી વધુ સરકારી કર્મીઓ ફરજ બજાવશે.
2253 મતદાન મથકમાંથી 1125 કેન્દ્ર પર વેબ કાસ્ટીંગ કરાશે
જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, જિલ્લામાં કુલ 2253 મતદાન મથક છે. તેમાંથી 1125 મતદાન મથક ઉપર વેબ કાસ્ટીંગ કરવામાં આવશે. દરેક વિધાનસભામાં એક-એક મોડલ પોલિંગ સ્ટેશન બનાવવામાં આવશે. તેમજ 8 ઈકો ફ્રેન્ડલી મતદાન મથક ઉભા કરવામાં આવશે. આ વખતે યુવાનો મતદાન કરે તે માટે બે ખાસ યંગ વોટર્સ બૂથ ઉભા કરવામાં આવશે. એટલું જ નહીં, 8 જેટલા દિવ્યાંગ મતદાન મથકો અને 56 સખી મતદાન મથકો ઉભા કરવામાં આવશે.
ચૂંટણી માટે 13 હજારનો સ્ટાફ પોતાની ફરજ બજાવશે
કણકોટ ખાતે રીસિવિંગ ડિસ્પેચીંગ સેન્ટર બનાવવામાં આવ્યું છે. 2253 મતદાન મથકમાં 8 હજારનો ચૂંટણી સ્ટાફ સહિત કુલ 13 હજાર સરકારી કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે. તેમાં મોટાભાગના કર્મીઓને પ્રથમ તબકકાની તાલીમ આપી દેવામાં આવી છે. આગામી દિવસોમાં ત્રીજી તાલીમ પણ પુર્ણ કરી દેવામાં આવશે.
રાજકોટમાં કુલ 23 લાખ મતદારો
રાજકોટ જિલ્લામાં કુલ 23 લાખ 5 હજાર 601 મતદારો છે. જેમાંથી 34 ટ્રાન્સજેન્ડર મતદારો, રાજકોટ ઇસ્ટ -68 બેઠકમાં કુલ 4 લાખ 51 હજાર 98 મતદારો, રાજકોટ વેસ્ટ -69 બેઠકમાં 5 લાખ 3 હજાર 664 મતદારો છે. રાજકોટ સાઉથ -70 બેઠકમાં 4 લાખ 41 હજાર 914 મતદારો અને રાજકોટ ગ્રામ્ય 71 બેઠકમાં 5 લાખ 2 હજાર 586 મતદારો છે.
80 વર્ષથી વધુ વયના 52 હજારથી વધારે મતદારોને ઘરે બેઠા મતદાન કરી શકે તે માટે પોસ્ટલ બેલેટ પેપર આપવામાં આવશે. તેમજ 15633 દિવ્યાંગ મતદારો પણ પ્રથમ વખત ઘરેથી જ મતદાન કરશે. આ માટે બીએલઓ બેલેટ પેપર આપશે.
ફેક સમાચાર ઉપર દેખરેખ રખાશે
પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું હતું કે, રાજકોટ શહેર પોલીસ દ્વારા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવશે. રાજકોટ શહેરના 805 બુથ ઉપર પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવશે. મોબાઇલ પેટ્રોલિંગ પણ સતત વિસ્તારમાં કરવામાં આવશે. સીસીટીવી કેમેરા મારફતે પણ દેખરેખ કરવામાં આવશે. ફેક સમાચાર ઉપર સાયબર ક્રાઇમ એસીપી દેખરેખ રાખશે.અત્યાર સુધી 457 હથિયાર લાયસન્સ જમા કરાવવામાં આવ્યા છે. તમામ પરવાનાવાળા હથિયાર જમા કરાવવા માટે આજે જાહેરનામું પોલીસ કમિશનર દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. રાજકોટમાં કુલ 3300 જેટલા પરવાનાવાળા હથિયાર આપવામાં આવ્યા છે.
રાજકોટ ગ્રામ્યમાં 2500નો સ્ટાફ પોલીસ બંદોબસ્તમાં
જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 22 ચેકપોસ્ટ ચાલુ કરી દેવામાં આવી છે. જેમાંથી 3 પેરામિલ્ટ્રી કંપની રાજકોટ ગ્રામ્યમાં ફાળવવામાં આવી છે. રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં કુલ 1448 બુથ સમાવેશ થાય છે જેમાંથી 382 સંવેદનશીલ બુથ સમાવેશ થાય છે. રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 1275 પરવાનાળા હથિયાર ધારકો છે. તમામ લોકોએ હથિયાર જમા કરાવવા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ, એસઆરપી, હોમગાર્ડ સહીત 2500 જેટલા લોકોનો બંદોબસ્ત રહેશે.