22મી એ નેપાળી નાગરિકો માટે નેપાળ સરકારના વિશેષ નિર્દેશ જારી
- 22 જાન્યુઆરીના રોજ નેપાળના નાગરિકો પણ કરશે વિશેષ પૂજા
નેપાળ, 19 જાન્યુઆરી: અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓ પૂરજોશમાં કરવામાં આવી રહી છે. મંદિરના પ્રાંગણને આકર્ષક રીતે શણગારવામાં આવ્યું છે. 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવશે. વિશ્વનો દરેક હિંદુ આ દિવ્ય ક્ષણોનો સાક્ષી બનવા માંગે છે. પાડોશી હિંદુ દેશ નેપાળમાં પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને ભારે ઉત્સાહ છે. આ દરમિયાન નેપાળ સરકારે 22 જાન્યુઆરીએ પોતાના નાગરિકોને દારુ અને માંસાહારી ખોરાકનું વેચાણ ન કરવા કડક સૂચના આપી છે.
22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના ભવ્ય કાર્યક્રમને લઈને નેપાળમાં પણ ભારે ઉત્સાહ છે. નેપાળ તરફથી અયોધ્યાને ઘણી ભેટ, પરંપરાગત મીઠાઈઓ અને ઘણી કિંમતી વસ્તુઓ પણ આપવામાં આવી છે. નેપાળના જનકપુરથી 500 થી વધુ શણગારેલી ભેટની ટોપલીઓ અયોધ્યા મોકલવામાં આવી છે. આ દરમિયાન નેપાળે તેના દેશના નાગરિકોને 22 જાન્યુઆરીએ વિશેષ પૂજા કરવાની કડક સૂચના આપી છે અને તે દિવસે દારૂ અને માંસાહારી ખોરાકના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનું પણ આહ્વાન કર્યું છે.
જનકપુરમાં પણ દીવા પ્રગટાવવામાં આવશે
જનકપુર સબ મેટ્રોપોલિટન સિટીએ તમામ રહેવાસીઓને 22 જાન્યુઆરીએ દરેક ઘર અને રામ જાનકી મંદિરમાં દીવા પ્રગટાવીને પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવમાં ભાગ લેવા આહ્વાન કર્યું છે. તેવી જ રીતે, બીરગંજ મેટ્રોપોલિટન સિટીએ 22 જાન્યુઆરીએ માંસાહારી ખોરાક અને દારૂના વેચાણ અને વપરાશ પર પ્રતિબંધની જાહેરાત કરી છે. તે જ દિવસે શહેરના ખડિયારવા પોખરી ખાતે એક કાર્યક્રમ યોજાશે.
નેપાળથી આવેલા પૂજારી આચાર્ય વૈદિક મંત્રોનું પઠન કરશે
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાય દ્વારા મોકલવામાં આવેલા પત્ર મુજબ નેપાળના પૂજારી, આચાર્ય દુર્ગા પ્રસાદ ગૌતમ 22 જાન્યુઆરીએ વિશેષ ધાર્મિક સમારોહનું નેતૃત્વ કરશે. ગૌતમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત હજારો હિન્દુ ભક્તોની સામે વૈદિક મંત્રોનું પઠન કરશે.
જનકપુરના મુખ્ય પૂજારીને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું, જાણો નેપાળથી કોણ આવશે?
જનકપુરના રામ જાનકી મંદિરના મુખ્ય પૂજારી મહંત રામ તપેશ્વર દાસને પણ આ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. મહંત રામ તપેશ્વર દાસ અને તેમના અનુગામી મહંત રામ રોશન દાસ જે આ કાર્યક્રમમાં હાજરી આપશે તેમને વિશેષ સ્થાન આપવામાં આવશે. કારણ કે તે સીતાના જન્મસ્થળના છે. વિશ્વ હિન્દુ પરિષદ નેપાળ ચેપ્ટર અનુસાર, કાઠમંડુના પશુપતિનાથ મંદિરના મુખ્ય પૂજારી રાવલ ગણેશ ભટ્ટને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયામાં 600 કરોડના ખર્ચે બનશે વિશ્વનું સૌથી ઊંચુ રામ મંદિર