2019થી અત્યાર સુધી 22,217 ઈલેક્ટોરલ બૉન્ડ ખરીદ્યા: SBIનું SCમાં એફિડેવિટ
નવી દિલ્હી, 13 માર્ચ: સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયા (SBI) એ ઈલેક્ટોરલ બૉન્ડને લઈને સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી છે. આ એફિડેવિટ SBIના ચેરમેન દિનેશ કુમાર ખારા વતી દાખલ કરવામાં આવી છે. એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે બેન્કે સુપ્રીમ કોર્ટ દ્વારા 15 ફેબ્રુઆરીએ આપેલા આદેશનું પાલન કર્યું છે. મહત્ત્વનું છે કે, SBIએ એક પેન ડ્રાઈવમાં બે પીડીએફ ફાઈલ બનાવીને સુપ્રીમ કોર્ટ સાથે આ માહિતી શેર કરી છે. બંને પીડીએફ ફાઇલો પાસવર્ડથી સુરક્ષિત છે.
SBIએ સુપ્રીમને ઈલેક્ટોરલ બૉન્ડની માહિતી આપી
ભારતીય સ્ટેટ બેન્કે એફિડેવિટમાં ચૂંટણી પંચને ઈલેક્ટોરલ બૉન્ડ સંબંધિત ડેટા આપ્યા છે. SBI દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર 1 એપ્રિલ 2019થી 11 એપ્રિલ 2019 સુધી 3346 બૉન્ડ ખરીદવામાં આવ્યા હતા. તેમાંથી 1609 બૉન્ડ રિડીમ કરવામાં આવ્યા હતા. આ સિવાય 12 એપ્રિલ 2019 થી 15 ફેબ્રુઆરી 2024 સુધી 18,871 બૉન્ડ ખરીદવામાં આવ્યા હતા. જેમાંથી 20,421 બોન્ડ રિડીમ કરવામાં આવ્યા હતા. સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, તેમની પાસેથી કુલ 22,217 બૉન્ડ ખરીદવામાં આવ્યા હતા અને આ બૉન્ડ્સમાંથી 22,030 બૉન્ડ રિડીમ કરવામાં આવ્યા હતા.
SBIના અધ્યક્ષ દિનેશ કુમાર ખરાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે આદેશ મુજબ ચૂંટણી પંચને ઈલેક્ટોરલ બૉન્ડ ડોનેશનની માહિતી આપવામાં આવી છે. આ ઉપરાંત ઈલેક્ટોરલ બૉન્ડના રિડેમ્પશનની તારીખ અને દાન મેળવનાર રાજકીય પક્ષોના નામોની વિગતો પણ ચૂંટણી પંચને ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટે SBIને ફટકાર લગાવી હતી
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે SBIને ફટકાર લગાવી હતી અને ચૂંટણી પંચને 12 માર્ચ સુધી ચૂંટણી બૉન્ડ સાથે સંબંધિત માહિતી આપવા માટે કહ્યું હતું. CJIએ SBIને પૂછ્યું હતું કે તમે 26 દિવસમાં શું કર્યું? આ બહુ ગંભીર બાબત છે.
આ પણ વાંચો: SC ના કડક વલણ બાદ SBIએ ઈલેક્ટોરલ બોન્ડ્સ અંગેનો ડેટા ચૂંટણી પંચને સોંપ્યો