છોટાઉદેપુર જિલ્લામાં મેઘરાજાએ કહેર વરસાવ્યો છે. છોટાઉદેપુરમાં આજે ભારે વરસાદની આગાહી છે. ત્યારે છોટાઉદેપુરના નાની બુમદી પાસે મિની લક્ઝરી બસ પાણીમાં ફસાઈ હતી. 22 પેસેન્જર ભરેલી બસ પાણીમાં ફસાઈ હતી. ત્યારે વડોદરા ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી ડ્રાઈવર સહિત 22 પેસેન્જરને બહાર કઢાયા હતા. રાત્રે 1 વાગ્યે ફાયરની ટીમે બચાવ કામગીરી કરી મુસાફરોના જીવ બચાવી લીધા હતા. ભારે ધસમસતા પ્રવાહમાં વડોદરા ફાયર બ્રિગેડની ટીમે પ્રશંસનીય કામગીરી કરી હતી.
હવામાન વિભાગે આજે પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. વરસાદના કારણે તંત્ર પણ ચિંતિત બન્યું છે. રવિવારે ખાબકેલા વરસાદ બાદ લોકોના ઘરોમાંથી માંડ પાણી ઓસર્યા પણ ફરી ધોધમાર વરસાદ શરૂ થતાં ફરી પાણી ભરાવવાનો લોકોમાં ડર છે.
વાંચોઃ સુરતમાં મેઘો મહેરબાનઃ માંગરોળમાં બે ઈંચ વરસાદ, ઉકાઈની સપાટી વધીને 323.55 થઈ
છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી નિમિષાબેન સુથારે મોડી જણાવ્યું હતું કે, અત્યાર સુધી 257 લોકોનું જિલ્લામાં રેસ્કયૂ કરાયું છે. 5 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. પાણેજ ગામમાં એક મહિલાનું મોત થયું, જેમને સહાય અપાશે. જેમના ઢોર પૂરમાં મોત પામ્યા તેમને પણ સહાય ચૂકવાશે. જરૂરિયાતવાળા ગામોમાં આરોગ્યની સુવિધા પહોચાડવા તંત્રને સૂચના આપી છે. વહીવટી તંત્રને લોકોની સાથે સંકલનમાં રહી કામગીરી કરવા સૂચના આપી છે. વહીવટી તંત્રએ, NDRF, SDRF ની ટીમે સરસ કામગીરી કરી છે.
આ ઉપરાંત 22 કરોડના ખર્ચે બનેલ ચેક ડેમ 3 મહિનામાં જ તૂટી ગયા મામલે તેમણે કહ્યુ કે, નબળી કામગીરી મામલે તપાસના આદેશ આપીશું, ચેક ડેમ વહેલીતકે ફરી બને તેવા પ્રયાસો કરીશું. કોન્ટ્રાકટરને જરૂર પડશે તો નોટિસ આપવામાં આવશે.
વાંચોઃ રાજ્યમાં ચાર દિવસ ભારે વરસાદની આગાહી, 8 જિલ્લાઓમાં રેડ અલર્ટ