23 July, National Parents’ Day: આ ઉજવણી જરૂરી કેમ?
- દર વર્ષે જુલાઇ મહિનાના ચોથા રવિવારને પેરેન્ટ્સ ડે તરીકે ઉજવવામાં આવે છે
- પેરેન્ટ્સ ડેની શરૂઆત વર્ષ ૧૯૯૪માં અમેરિકામાં કરવામાં આવી હતી
- અલગ અલગ દેશમાં પેરેન્ટ્સ ડે ની ઉજવણી અલગ દિવસે થતી હોય છે
પેરેન્ટ્સ (Parents)ને ઇશ્વરનું સ્થાન આપવામાં આવ્યું છે. મા મમતાનો સાગર છે તો પિતા ખુશીઓનો ભંડાર છે જે પોતાના બાળકોને નિ:સ્વાર્થ ભાવથી પ્રેમ કરે છે. પેરેન્ટ્સના અથાગ પરિશ્રમથી બાળકોનું ભરણ-પોષણ થાય છે. કદાચ એટલા માટે તેમને ઇશ્વરનું સ્થાન આપવામાં આવે છે. માતા-પિતા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવાના આશયથી જ નેશનલ પેરેન્ટ્સ ડે (National Parents’ Day) ઉજવવાની શરૂઆત કરાઇ હતી.
ક્યારે ઉજવવામાં આવે છે પેરેન્ટ્સ ડે?
દર વર્ષે જુલાઇ મહિનાના ચોથા રવિવારને પેરેન્ટ્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ વખતે આ દિવસ 23 જુલાઇ, 2023ના રોજ આવ્યો છે. સત્તાવાર રીતે પેરેન્ટ્સ ડેની શરૂઆત વર્ષ 1994માં અમેરિકામાં કરવામાં આવી હતી. ત્યારથી દર વર્ષે રાષ્ટ્રીય પેરેન્ટ્સ ડે મનાવવામાં આવે છે. વિશ્વના તમામ દેશોમાં પેરેન્ટ્સ ડે મનાવવામાં આવે છે. પણ દરેક દેશમાં આ દિવસ અલગ-અલગ તારીખે મનાવાય છે. પહેલીવાર દક્ષિણ કોરિયામાં 8 મે, 1973ના દિવસે પેરેન્ટ્સ ડે મનાવવામાં આવ્યો હતો.
કયા દેશમાં ક્યારે આવે છે પેરેન્ટ્સ ડે?
દક્ષિણ કોરિયામાં મધર્સ ડેના દિવસે જ પેરેન્ટ્સ ડે મનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેના કારણે દક્ષિણ કોરિયામાં દર વર્ષે 8મી મેના રોજ પેરેન્ટ્સ ડે મનાવવામાં આવે છે. વિયતનામમાં 7 જુલાઇએ પેરેન્ટ્સ ડે મનાવવામાં આવે છે. જ્યારે ફિલિપાઇન્સમાં ડિસેમ્બર મહિનાના પહેલા સોમવારને પેરેન્ટ્સ ડે તરીકે મનાવવામાં આવે છે. જ્યારે કેટલાય દેશોમાં આ દિવસ જૂન મહિનામાં મનાવવામાં આવે છે.
ભારત અને અમેરિકામાં જુલાઇ મહિનાના ચોથા રવિવારે આ દિવસ મનાવવામાં આવે છે. પ્રથમવાર સત્તાવાર રીતે આ દિવસ અમેરિકામાં મનાવવામાં આવ્યો હતો જ્યારે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિંટને વર્ષ 1994માં માતા-પિતાને સન્માન આપવા માટે એક ખરડા પર હસ્તાક્ષર કરીને તેને નેશનલ પેરેન્ટ્સ ડે જાહેર કર્યો હતો.
શું છે આ દિવસ મનાવવા પાછળનો હેતુ?
પેરેન્ટ્સ ડે મનાવવા પાછળનું મુખ્ય કારણ છે કે બાળકો માતા-પિતાનું સન્માન કરs અને તેમનું મહત્વ સમજી શકે. આ દિવસે બાળકો પોતાના માતા-પિતા સાથે સમય ફાળવે અને તેમને ખુશ કરે તે આ દિવસનું મહત્વનું કાર્ય છે. એક દિવસ જ નહીં, પરંતુ દરરોજ પેરેન્ટ્સ ડે તરીકે ઉજવવો જોઈએ. દરેક સંતાને રોજનો થોડો સમય અવશ્ય પોતાના માતા-પિતા માટે કાઢવો જોઈએ. પેરેન્ટ્સ માટેનો આભાર વ્યક્ત કરવા દરેક બાળકોએ આ દિવસની ઉજવણી કરવી જ જોઈએ
મુસીબતમાં યાદ આવે છે માતા-પિતા
આપણા માતા-પિતા આપણા જીવનની સૌથી મોટી સહાયક વ્યવસ્થા પણ કહી શકાય, જ્યારે આપણને મુશ્કેલી પડે છે ત્યારે સૌથી પહેલા માતા-પિતા યાદ આવે છે. તેઓ આપણને મુશ્કેલીઓનો સામનો કરવાનું શીખવે છે, જીવનમાં કંઈક હાંસલ કરવાની પ્રેરણા આપે છે, આગળ વધવાની હિંમત આપે છે અને ખુશ રહેવાની સલાહ આપે છે. આ ઉપરાંત આપણી દરેક તકલીફોમાં આપણી પડખે ઉભા રહે છે.
આ પણ વાંચોઃ ટામેટાંના ભાવને લઈને અભિનેતા સુનિલ શેટ્ટીએ આપ્યું નિવેદન, જાણો પછી કેમ માંગી માફી