ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

આસામનાં સિલચરમાંથી 210 કરોડનું 21 કિલો હેરોઈન ઝડપાયું: પોલીસ દ્વારા 1ની ધરપકડ

  • અત્યાર સુધીનું ડ્રગ્સનું સૌથી મોટું કન્સાઈનમેન્ટ ઝડપી પાડવામાં આવ્યું 
  • મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ સફળ ઓપરેશન માટે રાજ્ય પોલીસની પ્રશંસા કરી 

ગુવાહાટી, 5 એપ્રિલ: આસામના સિલચરમાં અત્યાર સુધીનું ડ્રગ્સનું સૌથી મોટું કન્સાઈનમેન્ટ જપ્ત કરવામાં આવ્યું છે. અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું કે મિઝોરમથી રાજ્યમાં પ્રવેશેલા વાહનમાંથી રૂપિયા 210 કરોડની કિંમતનું 21 કિલોથી વધુનું હેરોઇન ઝડપાયું છે. એક ગોપનીય માહિતી પર કાર્યવાહી કરતા, આસામ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF)એ રાજ્યના દક્ષિણ ભાગમાં કચર જિલ્લામાં સિલચર પોલીસ સ્ટેશન હેઠળના સાહિદપુર નજીક એક વાહનને અટકાવ્યું હતું. તેમાંથી આ નશીલા પદાર્થ મળી આવ્યા હતા.

 

 

મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ આસામ પોલીસને મળેલી આ સફળતાની પ્રશંસા કરી છે. તેમણે પોસ્ટ કરીને લખ્યું છે કે, એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને સપ્લાય ગ્રીડ તોડવાની તપાસ ચાલી રહી છે. આસામ પોલીસ શાબાશ!”

STFના વડા અને અધિકારીઓએ શું જણાવ્યું?

 

અધિકારીઓએ જણાવ્યું કે, આ ટ્રક લાલદીનુવા નામનો વ્યક્તિ ચલાવી રહ્યો હતો. તેની ધરપકડ કરવામાં આવી છે. તે મિઝોરમની રાજધાની આઈઝોલથી આવી રહ્યો હતો અને તેણે ટ્રકના પાછળના ભાગે બ્રેડ અને બિસ્કિટના ડબ્બામાં ડ્રગ્સ છુપાવી દીધું હતું. આસામ STFના વડા પોલીસ મહાનિરીક્ષક પાર્થ સારથી મહંતે જણાવ્યું કે, “દસ દિવસ પહેલા માહિતી મળી હતી કે પાડોશી રાજ્યમાંથી ડ્રગ્સનું મોટું કન્સાઈનમેન્ટ લાવવામાં આવશે. અહીંથી તેને કેટલાક મોટા શહેરોમાં સપ્લાય કરવામાં આવશે. ત્રણ દિવસ પહેલા અમને માહિતી મળી હતી કે વાહન નીકળી ગયું છે. ત્યારબાદ ગુરુવારે સાંજે આ વાહનને અટકાવવામાં આવ્યું હતું અને અમને તેમાંથી 21.5 કિલોથી વધુનું હેરોઈન મળી આવ્યું છે. તેમાંથી 18 કિલો તેના શુદ્ધ સ્વરૂપમાં છે અને 3.5 કિલો વપરાશ માટે તૈયાર કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ કન્સાઈનમેન્ટની કિંમત ઓછામાં ઓછી રૂપિયા 210 કરોડની છે. તેમાં 18 કિલો શુદ્ધ હેરોઇન છે જેને અન્ય ઘટકો સાથે ભેળવવામાં આવે તો તે 50-60 કિલો થઈ જાય છે. એક સૂત્રએ જણાવ્યું કે, આ રીતે સમગ્ર કન્સાઈનમેન્ટની કિંમત 540 કરોડ રૂપિયા સુધી થઈ શકે છે.

આ પણ જુઓ: પાકિસ્તાનમાં ઘૂસીને ભારત આતંકીઓને ‘મૃત્યુને ઘાટ’ ઉતારી રહ્યું છે: બ્રિટિશ અખબારનો દાવો

Back to top button