અમદાવાદગુજરાતટોપ ન્યૂઝબિઝનેસવાયબ્રન્ટ ગુજરાત સમિટ

ગુજરાતમાં ટાટા ગ્રૂપની 21 કંપનીઓ, લક્ષ્મી મિત્તલે કહ્યું, ભારતનું 2047નું સપનું સાકાર કરવા અમે તૈયાર

ગાંધીનગર, 10 જાન્યુઆરી 2024, વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024માં ટોપ ગ્લોબલ કંપનીના વડાઓએ પોતાના બિઝનેસ પ્લાન જણાવતા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, 2047 સુધીમાં ગુજરાત થકી વિકસિત ભારતનું સપનું સાકાર કરી શકાશે. આ કંપનીઓ સાણંદ અને ધોલેરા ઈન્ડસ્ટ્રીયલ ક્લસ્ટરમાં મોટાપાયે રોકાણ કરી રહી છે અને ભવિષ્યની ટેકનોલોજી આધારિત ઉદ્યોગો લાવી રહી છે. આ સમિટમાં ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને જણાવ્યુ હતુ કે, સાણંદ EV ટેકનોલોજીનું હબ બનતુ જાય છે. ટાટા ધોલેરામાં સેમી કન્ડકટર પ્લાન્ટ સ્થાપશે. C-295 ડિફેન્સ એરક્રાફ્ટનું ગુજરાતમાં ઉત્પાદન શરુ થશે.

ડીપી વર્લ્ડ 3 વર્ષમાં 3 બિલિયન US ડોલર રોકશે
સમિટમાં સંબોધન કરતાં લક્ષ્મી મિત્તલે જણાવ્યું હતું કે, આત્મ નિર્ભરતામાં સ્ટીલ મહત્વની ભૂમિકા નિભાવે છે. ગુજરાતમાં 4 વર્ષ પહેલા વડાપ્રધાન મોદીએ હજીરા પ્રોજેક્ટનું ખાત મુહૂર્ત કર્યું હતું જે કામ 2026 સુધીમાં પૂરું થઈ જશે. સેકન્ડ ફેઝ માટે આજે MoU કર્યા છે. 24 મિલિયન ટન સ્ટીલ પ્રોડક્શન ઉત્પાદન કરતી હજીરા સાઈટ વિશ્વની પ્રથમ બનશે. અમે સ્ટીલ, રીન્યુ એનર્જી અને હાઈડ્રોજન ટેક્નોલોજીમાં પણ રોકાણ કરી રહ્યા છીએ. આગળના 20 વર્ષ દેશ માટે બહુ મહત્વના છે. 2047નું સપનું પૂરું કરવા અમે તૈયાર છીએ. તો બીજી તરફ લોજિસ્ટિક્સ કંપની ડીપી વર્લ્ડ ગ્રુપના ચેરમેન અને સીઈઓ સુલતાન અહેમદ બિન સુલેમે જણાવ્યું કે, ડીપી વર્લ્ડ આગામી 3 વર્ષમાં 3 બિલિયન US ડોલર ઉપરાંતનું રોકાણ કરવાની યોજના બનાવી રહ્યું છે.

છેલ્લા 10 વર્ષમાં વડાપ્રધાનનો બહુ સપોર્ટ રહ્યો છે
સુઝુકી મોટર્સ કોર્પોરેશન વડા તોસીઝો સુઝુકીએ જણાવ્યું હતું કે, છેલ્લા 10 વર્ષમાં વડાપ્રધાનનો બહુ સપોર્ટ રહ્યો છે. ઓટોમોબાઈલ માર્કેટમાં ભારત આગળ વધ્યું છે. ભારતમાં પ્રોડક્શન કેપેસિટી વધી છે. 1.7 ગણું પ્રોડક્શન અને 2.7 નિકાસની અમે 10 વર્ષ પહેલા અપેક્ષા રાખતા હતા પણ અમને સપોર્ટ મળ્યો છે એટલે અમે આગળ પણ રોકાણ કરીશું. ભારતમાં પ્રોડક્શન કરીને જાપાન અને યુરોપિયન દેશમાં એક્સપોર્ટ કરીશું. ઈવી પ્રોડક્શનને પણ વધારીશું અને 3200 કરોડ રૂપિયાનું રોકાણ કરીએ છીએ. 2.5 લાખ યુનિટ પ્રતિ વર્ષ ઉત્પાદન કરી શકશે. 7.5 લાખથી વધીને 1 મિલિયન યુનિટ સુધી ઉત્પાદન થશે. બીજા પ્લાન્ટના માટે અમે 25 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવાના છીએ.

ગુજરાતમાં ટાટા ગ્રુપની કંપનીઓમાં 50000 કર્મચારીઓ
ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરે જણાવ્યું હતું કે, ઈકોનોમિક ડેવલોપમેન્ટની અસર જોવા મળી રહી છે. ગુજરાત એ ગેટ વે ઓફ ફ્યુચર તરીકે સ્થાપિત થઈ ચૂક્યું છે. 1939માં ટાટા કેમિકલથી શરૂઆત કરી હતી જે હવે અનેક ક્ષેત્રોમાં આગળ વધી છે. તાજેતરમાં અમે અમારું કાર્યક્ષેત્ર વધારવાનો નિર્ણય કર્યો હતો. સાણંદમાં પ્રોજેક્ટ શરૂ કરીએ છીએ. ટાટાએ ધોલેરામાં સેમિકન્ડક્ટર શરૂ કરવાનુ વચન આપ્યું હતું જે 2024માં શરૂ થઈ જશે.અમે ઇલેક્ટ્રિક વાહનોની વધતી જતી માગને પૂરી કરી શકીએ. અમે સાણંદમાં 20 GWs લિથિયમ-આયન બેટરી માટે એક વિશાળ ગીગા ફેક્ટરીનું નિર્માણ શરૂ કરવાના છીએ, આ પ્રોજેક્ટમાં આગામી સમયમાં શરૂ થશે. ભારતીય કૌશલ્ય સંસ્થા 3.2 લાખ ચોરસ ફૂટ સંપૂર્ણ રીતે કાર્યરત છે. અદ્યતન ઇલેક્ટ્રોનિક્સ અને હોસ્પિટાલિટીમાં વાર્ષિક 25000 લોકોને તાલીમ આપશે. તે માર્ચ 2024માં લોન્ચ કરવામાં આવશે. અમારી ટાટા ગ્રૂપની 21 કંપનીઓ રાજ્યમાં મજબૂત હાજરી ધરાવે છે. ગુજરાતમાં ટાટા ગ્રુપની કંપનીઓમાં 50000 કર્મચારીઓ છે. સાણંદ અમારા તમામ ઇલેક્ટ્રિક વાહનોનું ઘર બની ગયું છે. તે વડોદરા અને ધોલેરા ખાતે એરક્રાફ્ટ્સ બે મહિનામાં કાર્ય કરવાનું શરૂ કરશે.

માઈક્રોન ગુજરાત સેમિકન્ડક્ટર માટે એન્કર કંપનીની ભૂમિકા ભજવશે
માઈક્રોન ટેકનોલોજીના સીઇઓ સંજય મેલ્હોત્રાએ જણાવ્યું હતું કે, ભારતને સેમિકન્ડક્ટર્સ માટે વૈશ્વિક હબ બનાવવા બદલ પીએમનો આભાર. ભારત માટે આગળ જબરદસ્ત તક છે, વાઈબ્રન્ટ ગુજરાતમાં ભારતની પ્રગતિ માટેના વિચારોના બીજ રોપાય છે. મને ગર્વ છે કે, જૂનમાં અમે ગુજરાતમાં મેમરી એસેમ્બલી અને ટેસ્ટની જાહેરાત કરી હતી, જે ભારતમાં આ પ્રકારની પ્રથમ ફેક્ટરી છે. આ શક્ય બનાવવા માટે હું રાજ્યના અધિકારીઓનો આભાર માનું છું. અમે વર્લ્ડ ક્લાસ ફેસિલિટી બનાવવાનું શરૂ કર્યું છે. મેં ગઈકાલે તેની મુલાકાત લીધી હતી અને તે સરસ રીતે આવી રહી છે. ભરતી શરૂ થઈ ગઈ છે, અને તે સીધા જ 5000 લોકોને રોજગારી આપશે. સંલગ્ન કંપનીઓ થકી 50000 નોકરીની તક મળશે. આ પ્રોજેક્ટનું કુલ કદ USD 2.75 બિલિયનનું છે. જેનાથી સેમિકન્ડક્ટર્સ અને ઇકોસિસ્ટમ માટે ક્લસ્ટર ઉભું થશે. જે અન્ય ઉત્પાદકોને મદદ કરશે. માઈક્રોન ગુજરાત સેમિકન્ડક્ટર માટે એન્કર કંપનીની ભૂમિકા ભજવશે.

આ પણ વાંચોઃ વાઈબ્રન્ટ ગુજરાતમાં મુકેશ અંબાણીએ આપ્યા પાંચ કમિટમેન્ટ, જાણો ગૌતમ અદાણીએ શું કહ્યું

Back to top button