

થોડા દિવસ અગાઉ કરાઇ પોલીસ તાલીમ એકેડમીમાં બોગસ પીએસઆઇનું કૌભાંડ બહાર આવ્યું હતું જેમાં મયુર તડવી નામનો શખ્સ ખોટાં ડોકયુમેન્ટના આધારે કરાઇ ખાતે છેલ્લા એક મહિનાથી ટ્રેનિંગ લઈ રહ્યો હતો ત્યારે ગુરૂવારે ડીજીપી વિકાસ સહાયે ગાંધીનગર ખાતે ઉચ્ચ અધિકારીઓની સમગ્ર મામલે બેઠક બોલાવી હતી અને વર્ષ 2021માં લેવામાં આવેલી પીએસઆઇની પરીક્ષામાં ઉતીર્ણ થયેલા તમામ ઉમેદવારોનું બાયોમેટ્રીક ક્રોસ વેરીફિકેશન કરવાનો નિર્ણય આ બેઠકમાં લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો : નકલી PSI મયુર તડવી પર પોલીસ એક્શન, 10 માર્ચ સુધી રિમાન્ડ પર
આ સાથે જ નકલી પીએસઆઇ મયુર તડવીની તપાસનો રિપોર્ટ પણ જલ્દીથી તૈયાર કરી સોંપવા માટે સુચના આપવામાં આવી છે. કરાઇ પોલીસ તાલીમ એકેદમીમાં બોગસ કોલ લેટરને આધારે તાલીમ લેવા આવેલા પીએસઆઇ મયુર તડવીનો કેસ બહાર આવતા હવે રાજ્યનું ગૃહ વિભાગ અને પોલીસ વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું હોય તેવું લાગી રહ્યું છે. તો બીજી તરફ કેટલાક લોકો પોલીસ અને ગૃહ વિભાગ પર પણ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે આટલી મોટી ચૂક કોઈ અધિકારીની મિલીભગત વિના શક્ય નથી.
રાજ્ય પોલીસ વડા અને પોલીસ તાલીમ વિભાગના ડીજીપી વિકાસ સહાયે કરાઇ એકેડમીના ઉચ્ચ પોલીસ અધિકારીઓની બેઠક બોલાવી હતી. જેમાં મયુર તડવી અંગે તમામ વિગતે ચર્ચા કરવાની સાથે હાલ પીએસઆઇ તરીકે તાલીમ લઇ રહેલા તમામ ઉમેદવારોનું બાયોમેટ્રીક પધ્ધતિથી ક્રોસ વેરીફિકેશન કરવા માટે સુચના આપી છે અને આ ક્રોસ વેરીફીકેશનનો રિપોર્ટ પણ સોંપવા માટે તાકીદ કરી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હવે આગામી સમયમાં લેવાનાર તમામ ભરતીઓમાં બાયોમેટ્રીક્સ પધ્ધતિથી ક્રોસ વેરીફીકેશન ફરજિયાત બનાવવા માટેની સત્તાવાર જાહેરાત પણ કરવાની શક્યતા છે.