- વાઘા બોર્ડરથી પાકિસ્તાથી ગુજરાતના માછીમારો આવશે
- મત્સ્યોદ્યોગ વિભાગના કર્મચારીઓ-અધિકારીઓનો 8 જણનો સ્ટાફ પહોંચ્યો
- મોટાભાગના મછવારાઓ સૌરાષ્ટ્ર કાંઠાના રહીશો છે
ગુજરાત રાજ્યના 200 મછવારા આજે પાકિસ્તાન જેલમાંથી છૂટશે. જેમાં હજી 467 છૂટવાના બાકી છે. તેમજ બોટ્સ છૂટતી નથી, પ્રયાસો પણ થતાં નથી, 1,169 બોટ પાક. કબજામાં છે. 14મીની સવારે આ મછવારાઓ તેમના નિવાસસ્થાને પહોંચશે.
આ પણ વાંચો: ગુજરાતના આ શહેરમાં કાળઝાળ ગરમી વચ્ચે વાયરલ ઈન્ફેક્શનના કેસ વધ્યા
મોટાભાગના મછવારાઓ સૌરાષ્ટ્ર કાંઠાના રહીશો
ગુજરાતના 200 માછીમોરો પાકિસ્તાની સત્તાવાળાઓ આજે છોડી રહ્યાં છે, જેમને વાઘા બોર્ડર ખાતે સ્વીકારવા માટે રાજ્યના મત્સ્યોદ્યોગ વિભાગના કર્મચારીઓ-અધિકારીઓનો 8 જણનો સ્ટાફ પહોંચ્યો છે. આમાંના મોટાભાગના મછવારાઓ સૌરાષ્ટ્ર કાંઠાના રહીશો છે. લગભગ 13મીની મોડી સાંજે કે 14મીની સવારે આ મછવારાઓ તેમના નિવાસસ્થાને પહોંચશે તેમ જણાવાઈ રહ્યું છે.
પાકિસ્તાની જેલમાં રાજ્યના 467 માછીમારો છે
સૂત્રો કહે છે કે, ઇન્ટરનેશનલ બોર્ડર ક્રોસ કરીને પાકિસ્તાની દરિયામાં માછીમારી કરવા બદલ કુલ 667 જેટલા રાજ્યના માછીમારો પકડાયા હતા. જે પૈકી 200 માછીમારો છૂટતાં હવે પાકિસ્તાની જેલમાં રાજ્યના 467 માછીમારો રહેશે. તદુપરાંત રેકર્ડ પ્રમાણે રાજ્યના માછીમારોની આશરે 1169 બોટ પણ અત્યારે પાકિસ્તાની સત્તાવાળાઓ હસ્તક છે. પકડાયેલા મછવારાઓ તબક્કવાર છૂટે છે. પણ તેમની પકડાયેલી બોટ છૂટતી નથી. રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારે આ દિશામાં કાર્યવાહી કરવી જોઈએ એવી માછીમારોના એસોસિયેશનની સતત માગ રહી છે.
મંત્રી રાઘવજી પટેલ દ્વારા મત્સ્યોદ્યોગ વિભાગની સમીક્ષા બેઠક યોજી
દરમિયાન ગુરુવારે કૃષિ અને મત્સ્યોદ્યોગ વિભાગના મંત્રી રાઘવજી પટેલ દ્વારા મત્સ્યોદ્યોગ વિભાગની સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં એમણે જિંગા ઉછેરમાં રોજગારી સાથે નિકાસની મોટી તકો રહેલી હોઈ આ ક્ષેત્રમાં દક્ષિણ ગુજરાતના જિલ્લા કલેક્ટરો દ્વારા ઝડપથી વધુ ને વધુ જમીનોની લીઝ ફાળવણી થાય તે દિશામાં પ્રયાસો કરવાની તંત્રને સૂચના આપી હતી. તેઓ પોતે પણ આ સંદર્ભમાં મહેસૂલ વિભાગ થતા દક્ષિણ ગુજરાતના કલેક્ટરો સાથે બેઠકો યોજશે. અત્યારે રાજ્યમાં આશરે 8,100 હેક્ટર જમીનોની લીઝ જિંગા ઉછેર માટે અપાયેલી હોવાનું જણાવાઈ રહ્યું છે.