પાકિસ્તાનની જેલમાંથી છૂટેલા 200 માછીમારોનું વડોદરા રેલ્વે સ્ટેશન ખાતે સ્વાગત કરાયું
પાકિસ્તાન દ્વારા અપહ્યત વધુ 200 માછીમારોને મુક્ત કરવામાં આવતા તેઓ વાઘા બોર્ડર થઇ ખાસ ટ્રેન મારફત રવિવારની મોડી રાતે વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા. વડોદરા રેલ્વે સ્ટેશન ઉપર આ માછીમારોનું સ્વાગત કરી વતનમાં આવકારવામાં આવ્યા હતા. તાજેતરમાં જ ગુજરાતના 181 જેટલા માછીમારોની પાકિસ્તાનની જેલમાંથી મુક્તિ બાદ વધુ 200 સાગરખેડુઓ આઝાદ થતા તેમના પરિવારોમાં આનંદની લાગણી છવાઇ છે.
પાકિસ્તાનની જેલમાંથી માછીમારોની મુક્તિ
મુક્ત કરવામાં આવેલા માછીમારો પૈકી ગુજરાતના 171 નો સમાવેશ થાય છે. તેમાં સૌથી વધુ 129 માછીમારો ગિર સોમનાથ જિલ્લાના છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકાના 31, જૂનાગઢના 2, નવસારીના 5 અને પોરબંદરના 4 માછીમારોને પાકિસ્તાનના કરાંચીની જેલમાંથી મુક્તિ મળી છે. તેમની સાથે બિહારના 4, દિવના 15, મહારાષ્ટ્રના 6 અને ઉત્તરપ્રદેશના 6 માછીમારોને પણ વર્ષો બાદ વતનની રાહ જોવા મળી છે.
કેન્દ્ર સરકારના રાજદ્વારી પ્રયાસોને કારણે માછીમારોને મળી મુક્તિ
આ માછીમારોને વર્ષ 2019થી 2022 દરમિયાન પાકિસ્તાનના સુરક્ષા દળો અપહરણ કરી લેવામાં આવ્યા હતા. અરબી સમુદ્રમાં માછીમારી કરતી વેળાએ બંધુકની અણી ઉપર આ માછીમારોના અપહરણ કરીને પાકિસ્તાનની જેલની પૂરી દેવામાં આવ્યા હતા. તેને છોડાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત વિદેશ મંત્રી એસ. જયશંકર અને કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઇ રૂપાલા સાથે સતત સંકલન સાધ્યું હતું. કેન્દ્ર સરકારના રાજદ્વારી પ્રયાસોને કારણે આ માછીમારોને મુક્તિ મળી હતી.
200સાગરખેડુઓ વડોદરા ખાતે આવ્યા હતા
આ માછીમારોને પાકિસ્તાનના તંત્રવાહકો દ્વારા અમૃતસર સ્થિત વાઘા બોર્ડર ખાતે લઇ આવવામાં આવ્યા હતા. જ્યાં ભારતને સોંપવામાં આવ્યા હતા. માછીમારોની તબીબી તપાસણી કરી વેરિફિકેશન કરવામાં આવ્યું હતું. આ માછીમારોને લેવા માટે રાજ્યનું મત્સ્ય ઉદ્યોગ ખાતું અને પોલીસની એક ટીમ પણ વાઘા બોર્ડર ખાતે ગઇ હતી. આ ટીમની સાથે આ 200સાગરખેડુઓ વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા. અહીં તેમને ખાનગી બસ મારફતે વતનમાં મોકલવામાં આવ્યા હતા.
વડોદરા રેલ્વે સ્ટેશન ખાતે માછીમારોનું કરાયું સ્વાગત
વડોદરા રેલ્વે સ્ટેશન ખાતે મત્સ્ય ઉદ્યોગ ખાતાના સમીર આરદેશણા સહિતના અધિકારીઓએ તેમને આવકાર્યા હતા અને બાદમાં બસમાં બેસાડી ગિરસોમનાથ તરફ રવાના કર્યા હતા.
આ પણ વાંચો : અકસ્માત બાદ પણ ભાનમાં હતા કોરોમંડલ ટ્રેનના પાયલટ, જાણો અન્ય કર્મચારીઓની શું છે હાલત