અમદાવાદ, 16 ઓગસ્ટ 2024, એક પરિણીતા પર આચરવામાં આવેલા દુષ્કર્મ કેસમાં માત્ર અઢી વર્ષમાં અમદાવાદ સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે આરોપીઓને 20 વર્ષની સખત કેદ અને 1.34 લાખના દંડ કરી તેમાંથી 50 ટકા રકમ પીડિતાને આપવા હુકમ કર્યો હતો.અમદાવાદના ઓઢવ પોલીસ મથકે જાન્યુઆરી, 2022માં બે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધાયો હતો. જેમાં અમદાવાદ સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં કેસની ટ્રાયલમાં 17 સાહેદો અને 26 દસ્તાવેજી પૂરાવા તપાસાયા હતા. ટ્રાયલ પૂર્ણ થતાં બંને આરોપીઓને 20 વર્ષ સખત કેદની સજા ફટકારી હતી. તેમજ આરોપીને કરાયેલા 1.34 લાખના દંડમાંથી 50 ટકા રકમ પીડિતાને આપવા હુકમ કર્યો હતો.
ઘરમાં ઘૂસીને આરોપીઓએ દુષ્કર્મ આચર્યું હતું
આ કેસની વિગતો પ્રમાણે ભોગ બનનાર મહિલાનો પતિ નોકરી ઉપર ગયો હતો તે દરમિયાન બપોરે તેના રૂમનો દરવાજો ખોલીને બે 20થી 25 વર્ષીય ઇસમો અંદર પ્રવેશ્યા હતા. આ ઈસમોએ પૂછપરછના બહાને તે જમી લીધું તો અમને જમાડ કહીને એક આરોપીએ પીડિતાના હાથ પકડીને મોઢું દબાવી દીધું હતું, તો બીજાએ રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. રૂમનો દરવાજો બંધ કરનાર ઈસમે પીડિતા સાથે દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાએ પ્રતિકાર કરતાં આરોપીએ પીડિતાના હાથ ઉપર બ્લેડ પણ મારી હતી. પીડિતાએ બૂમાબૂમ કરતાં બંને ભાગી ગયા હતા.
પીડિતાના આંતરવસ્ત્રો ઉપરથી પણ પુરાવા મળી આવ્યા
પીડિતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સુરજ અને વિરૂકુમારને ઝડપી પાડયા હતા. આ બંને પણ મૂળ બિહારના છે. ઓળખ પરેડ અને કોર્ટમાં પણ પીડિતાએ આરોપીઓને ઓળખી બતાવ્યા હતા. ડોક્ટરે પુષ્ટિ કરી હતી કે પીડિતા સાથે બળજબરી થઈ હોવાના ઇજાના નિશાન તેમજ શરીરના અન્ય ભગાઓ ઉપર પણ ઇજાના નિશાન છે. પીડિતાના મોઢા ઉપર નખ વાગ્યાના નિશાન છે. FSLમાં મોકલાયેલી બ્લેડ ઉપરથી લોહી અને પીડિતાના આંતરવસ્ત્રો ઉપરથી પણ પુરાવા મળી આવ્યા હતા.
દંડની અડધી રકમ પીડિતાને આપવા હુકમ કર્યો
આરોપીઓના વકીલે દલીલ કરી હતી કે, આ કેસમાં નજરે જોનાર કોઈ સાક્ષી નથી. ફરિયાદમાં અજાણ્યા ઇસમોનું નામ છે. કેસમાં કેટલાક સાહેદો ફરી ગયા હતા તો આરોપીઓએ નશો કર્યો હોવાનું પણ સામે આવ્યું હતું. સરકારી વકીલ ધવલ મહેતાએ કોર્ટને રજૂઆત કરી હતી કે, આરોપીઓએ પરિણીત સ્ત્રી ઉપર દુષ્કર્મ આચરી તેને સમાજમાં બદનામ કરી છે. તેઓને મહત્તમ સજા કરવામાં આવે. કોર્ટે પણ આરોપીઓને સમાજમાં દાખલો બેસે તેવી સજા કરવાનું નક્કી કર્યું હતું. કોર્ટે બન્ને આરોપીઓએ કુલ 20 વર્ષ સખત કેદની સજા અને કુલ 1.34 લાખનો દંડ ફટકાર્યો હતો. દંડની અડધી રકમ પીડિતાને આપવા હુકમ કર્યો હતો.
આ પણ વાંચોઃઅમદાવાદ: 9 નિર્દોષ વ્યક્તિઓને કચડી નાખનાર તથ્ય પટેલ સામે ગ્રામ્ય કોર્ટમાં ટ્રાયલ શરૂ