રામમંદિર માટે પ્રસાદીના 20 હજાર બોક્સ અમદાવાદથી અયોધ્યા જશે, જાણો એક બોક્સમાં શું શું હશે?
અમદાવાદ, 4 જાન્યુઆરી 2024, સમગ્ર દેશમાં અયોધ્યામાં ભગવાન શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેશના ખૂણે ખૂણેથી મંદિર નિર્માણ માટે સહયોગ પુરો પાડવામાં આવી રહ્યો છે. ત્યારે અમદાવાદ પણ ધ્વજદંડ, વિશાળ નગારું અને અજય બાણ બનાવવા સહભાગી બન્યું છે. હવે અયોધ્યામાં ભાવિ ભક્તોને આપવામાં આવનાર પ્રસાદ પણ અમદાવાદમાં તૈયાર થઈ રહ્યો છે. જેમાં અયોધ્યાની પવિત્ર સરિયું નદીનું પાણી, અક્ષત, સોપારી, રક્ષા પોટલી અને લાડુનો પ્રસાદ મળીને કુલ 20 હજાર પ્રસાદીના બોક્સ તૈયાર થઈ રહ્યા છે. અમદાવાદના કમલ રાવલ દ્વારા પ્રસાદ તૈયાર કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે.
પ્રસાદી બનાવવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઇ
કમલ રાવલે કહ્યું હતું કે, 15 જાન્યુઆરીથી ભંડારો, સંતોને રહેવાની વ્યવસ્થા અમારા તરફથી કરવામાં આવી છે. 22 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે તેમાં મુખ્ય જે પ્રસાદ છે એની પણ જવાબદારી અને આપવામાં આવી છે. જે પ્રસાદ બધી જગ્યાએથી આવતો હશે પણ આ પ્રસાદની મુખ્ય વિશેષતા એ છે કે, આની અંદર સરિયુ નદીનું જળ, સોપારી, અક્ષત, રક્ષા પોટલી અને બે લાડુ રાખવામાં આવ્યા છે. જેને બોક્સમાં પેક કરીને આપવામાં આવશે. અમદાવાદના સરખેજમાં આ પ્રસાદી બનાવવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઇ છે.
સરિયુ નદીના કિનારે PM મોદીની પ્રતિમા બનાવવા માંગ
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અયોધ્યામાં આગામી 22મી જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સમગ્ર દેશમાં ગર્વની લાગણી છે. ત્યારે અમદાવાદના ભક્તોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અયોધ્યામાં જર્મન ટેકનોલોજીથી બનાવવામાં આવેલા ડોમમાં રોજ પાંચ હજારથી વધુ સંતો માટે રોકાવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જે પ્રકારે નર્મદા નદી પર સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ પ્રતિમા ઊભી કરાઇ છે તે પ્રમાણે અયોધ્યામાં સરિયુ નદીના કિનારે વડાપ્રધાન મોદીની પ્રતિમા બનાવવામાં આવે તેવી પણ માગ ઉઠી છે.
આ પણ વાંચોઃ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલા એક જ દિવસમાં થયા 7.17 લાખ કરોડના MoU