કર્ણાટકઃ મંદિરમાં વીજવાયરથી કરંટ લાગતા નાસભાગ, 20 શ્રદ્ધાળુ ગંભીર રીતે ઘાયલ
- હસનામ્બા મંદિરમાં કરંટ લાગવાને કારણે નાસભાગ
- ઈલેક્ટ્રીક વાયર તુટીને થાંભલાને અડ્યો હતો તેનો કરંટ પાસે ઉભેલા લોકોને લાગ્યો હતો
કર્ણાટક: કર્ણાટકના હાસન વિસ્તારના એક મંદિરમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. હાસન વિસ્તારમાં આવેલા હસનામ્બા મંદિરમાં ઈલેક્ટ્રીક શૉક લાગવાને કારણે નાસભાગ મચી ગઈ હતી. નાસભાગમાં 20 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જેમાંથી એકની હાલત નાજુક છે. માહિતી મુજબ, મંદિર પાસે ઈલેક્ટ્રીક વાયર તૂટી ગયો અને થાંભલાને અડ્યો હતો જેનો કરંટ નજીકમાં ઉભેલા લોકોને લાગ્યો હતો. માતાજીના દર્શન કરવા લાઈનમાં ઉભેલા ભક્તોને જ્યારે આંચકો લાગ્યો તો તેઓ અહીં-તહીં ભાગવા લાગ્યા. નાસભાગ દરમિયાન મહિલાઓ અને યુવતીઓ જમીન પર પડી ગયાં હતાં.
2 થી 14 નવેમ્બર દરમિયાન વાર્ષિક હસનામ્બા યાત્રા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિરમાં દરરોજ રાજ્યભરમાંથી હજારો ભક્તો આવે છે. આજે સવારથી જ મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. માતાજીના દર્શન માટે ભક્તો લાઈનમાં ઊભા હતા. આ દરમિયાન ઈલેક્ટ્રીક વાયર તૂટીને મંદિરના થાંભલાને અડી ગયો હતો, જેના કારણે થાંભલા પાસે કતારમાં ઉભેલા ભક્તોને વીજ શોક લાગ્યો હતો.
#WATCH | Karnataka | A stampede situation ensued at Hasanamba Temple in Hassan after a few people reportedly experienced electric shock when an electric wire there broke. Injured were sent to hospital. pic.twitter.com/PhOMEuZPLl
— ANI (@ANI) November 10, 2023
નાસભાગમાં જમીન પર પડી જતા ઘણા ભક્તો ઘાયલ
ઈલેક્ટ્રીક શોક લાગતા જ મહિલા શ્રદ્ધાળુઓમાં નાસભાગ મચી ગઈ હતી. તેઓ એકબીજા પર તુટી પડી અને ભાગવા લાગી. આ દરમિયાન ઘણા ભક્તો જમીન પર પડી ગયા અને ઘાયલ થયા. મંદિરની સુરક્ષા વ્યવસ્થામાં લાગેલી પોલીસ ટીમે પરિસ્થિતિને સંભાળી હતી અને ઘાયલોને ભીડમાંથી બહાર કાઢ્યા અને એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. લગભગ 20 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે. જેમાંથી એકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. માહિતી મળતાં હાસન જિલ્લાના એસપી મોહમ્મદ સુજીતે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું.
હાસનના એસપી મોહમ્મદ સુજીતે જણાવ્યું હતું કે, બપોરે 1.30 વાગ્યાની આસપાસ તૂટેલા ઈલેક્ટ્રીકલ વાયર લટકતા હતા અને લોકો તેની ઝપટમાં આવી ગયા. આ દરમિયાન કરંટ લાગવાના કારણે લોકો ડરી ગયા અને ભાગવા લાગ્યા. અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી રહ્યા છે. કેટલાક લોકોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. તબીબોએ સ્પષ્ટતા કરી છે કે તમામ ઘાયલો ખતરાની બહાર છે. ભારે ભીડને કારણે દર્શન માટે ઓછો સમય મળી રહ્યો છે. અત્યારે બધું ગોઠવાઈ ગયું છે.
મંદિરમાં દર્શનની વ્યવસ્થા અંગે ભક્તોએ નારાજગી વ્યક્ત કરી હતી
એક ભક્તે જણાવ્યું હતું કે, લાઈનમાં ઉભેલા કેટલાક લોકોને વીજળીનો કરંટ લાગ્યો હતો. જેના કારણે ત્યાં નાસભાગ મચી ગઈ હતી. મંદિરમાં ભક્તોના દર્શન માટે યોગ્ય વ્યવસ્થા નથી. તમામ વ્યવસ્થા માત્ર રાજકારણીઓ, સિનેમાપ્રેમીઓ અને મોટી હસ્તીઓ માટે કરવામાં આવી છે. અમ્મા દેવીના દર્શન કરવા માટે લાઈનોમાં ઊભા રહેવું પડે છે તે બાબતે લોકોએ નારાજગી વ્યક્ત કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મંદિર પ્રશાસને હવે દરેક વસ્તુ પર અંકુશ લગાવી દીધો છે અને હવે ભક્તો ફરીથી દર્શન કરી શકે તે માટે વ્યવસ્થા કરી રહ્યા છે. તેમજ હોસ્પિટલના તબીબોએ જણાવ્યું છે કે તમામ ઘાયલોની હાલત સ્થિર છે.
આ પણ વાંચો, અમદાવાદમાં જુગારધામ પર PCB ત્રાટકી, લાખોની રોકડ સાથે 11 જુગારીઓની ધરપકડ