ગુજરાતટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાત

બીલીમોરામાં ગટરમાં ખાબકેલી બાળકીની 20 કલાકથી શોધખોળ ચાલુ, નદીમાં સર્ચ ઓપરેશન

Text To Speech

નવસારી, 29 જૂન 2024, બીલીમોરામાં તંત્રની બેદરકારીના કારણે 6 વર્ષની બાળકી ખુલ્લી ગટરમાં ગરકાવ થઈ ગઈ છે. પરિવારજનોએ શોધખોળ કરતાં ભાળ મળી નહોતી. જ્યારે સીસીટીવી ચેક કર્યા બાદ બાળકી ખુલ્લી વરસાદી ગટરમાં પડી હોવાની જાણ થતા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બાળકીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પાંચ-છ કલાક સુધી શોધખોળ કર્યા બાદ રાત્રે 10 વાગ્યા પછી ફરી વરસાદ શરૂ થતા બચાવ કામગીરીમાં વિક્ષેપ પડ્યો હતો. ત્યારે આજે વહેલી સવારથી ફરી બાળકીની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. 20 કલાકથી વધુનો સમય વીતવા છતાં હજુ સુધી બાળકીની ભાળ મળી નથી. ગુમ બાળકીને શોધવા માટે હવે SDRFની મદદ લેવાઈ છે.

ફાયરની ટીમ સાથે સ્થાનિક તરવૈયાઓની પણ મદદ લેવાઈ
નવસારીના બીલીમોરા શહેરમાં છ વર્ષની બાળકી શાહિન પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. જેને પગલે બીલીમોરા નગરપાલિકાની ફાયરની ટીમ દ્વારા અંબિકા નદીમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ફાયરની ટીમ સાથે સ્થાનિક તરવૈયાઓની પણ મદદ લેવામાં આવી રહી છે.આજે વહેલી સવારથી બીલીમોરા ફાયરની ટીમ દ્વારા ફાયર બોટ લઈને બાળકીની શોધખોળ હાથ ધરવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યાં છે. ઘટના બન્યાને 20 કલાકથી વધુ સમય થઈ ગયો છે, છતાં હજી સુધી બાળકીનો પત્તો લાગ્યો નથી.

વરસાદ ચાલુ થતા બચાવ કામગીરીમાં વિક્ષેપ પડ્યો હતો
બીલીમોરાના વખારીયા રોડ પર આવેલા જીવનજ્યોત એપાર્ટમેન્ટ વિસ્તારમાં રહેતી 6 વર્ષની માસૂમ બાળકી લાપતા થતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. સીસીટીવી ચકાસતા પોતાના ઘર નજીક વરસાદી પાણીની ખુલ્લી ગટરમાં બાળકી ખાબકી હોવાનું જોવા મળ્યું હતું. બીલીમોરા શહેરમાં જે ગટરમાં બાળકી લાપતા બની છે તે ગટરની લાઈન અંબિકા નદીમાં નીકળતી હોવાનું સામે આવ્યું છે. તંત્ર દ્વારા અંબિકા નદીના પટમાં જઈને પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. વરસાદના કારણે ત્યાં પણ પાણીમાં વધારો થયો હોવાથી બાળકીની શોધખોળ પડકારરૂપ બની હતી. ચાર પાંચ કલાક સુધી બચાવ કામગીરી હાથ ધરાયા બાદ વરસાદ ચાલુ થતા બચાવ કામગીરીમાં વિક્ષેપ પડ્યો હતો.

આ પણ વાંચોઃઉપલેટામાં કોલેરાથી હાહાકાર, પાંચ દિવસમાં 5 બાળકોના મૃત્યુ થતાં આરોગ્ય તંત્ર દોડતુ થયું

Back to top button