કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

દ્વારકાના દરિયાકાંઠેથી આજે 20 કરોડનું ચરસ ઝડપાયુ, છેલ્લા એક સપ્તાહમાં 100 જેટલા પેકેટ મળ્યા

Text To Speech

દેવભૂમિ દ્વારકા, 15 જૂન 2024, ગુજરાતના દરિયા કિનારાથી ડ્રગ્સની હેરાફેરીના કિસ્સાઓ વધી રહ્યાં છે. સૌરાષ્ટ્રમાં દ્વારકા નજીકના દરિયાકાંઠેથી 20 કરોડની કિંમતના ચરસના 40 પેકેટ મળ્યા છે. ગત શુક્રવારે 16 કરોડથી વધુની કિંમતના 32 જેટલા ચરસના પેકેટ મળી આવ્યા હતાં. ત્યાર બાદ ચાર દિવસમાં વધુ 21 પેકેટ ચરસનો જથ્થો બિનવારસુ મળી આવ્યો હતો. સતત ઝડપાઈ રહેલા ડ્રગ્સના જથ્થાને લઈને પોલીસે સર્ચ ઓપરેશન વધુ તેજ કરી દીધું છે.

દરિયાકાંઠેથી 20 કરોડની કિંમતનું ચરસ ઝડપાયુ
એકાદ સપ્તાહથી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર દ્વારકા વિસ્તારના દરિયાકાંઠામાં સધન પેટ્રોલિંગ, ચેકિંગ તેમજ સર્ચ ઓપરેશન જારી રાખવામાં આવ્યું છે. થોડા દિવસો પહેલા રૂપેણ બંદર તથા વરવાળા વિસ્તારના દરિયાકાંઠેથી ચરસના 30 પેકેટનો જથ્થો બિનવારસુ હાલતમાં મળી આવ્યો હતો. જેનું કુલ વજન 32.053 કિલો હતું અને તેની કુલ કિંમત 16.65 કરોડ જેટલી થાય છે. ત્યાર બાદ ફરી દ્વારકાના દરિયાકાંઠેથી 16.03 કરોડની કિંમતનો 32 કિલો ચરસનો જથ્થો મળી આવ્યો હતો. આજે ફરી દ્વારકાના વાંચ્છું ગામ વિસ્તારમાં આવેલા દરિયાકિનારા પાસે ચરસનો જથ્થો પોલીસના હાથે લાગ્યો હતો. આશરે 40 પેકેટનો આ જથ્થો દરિયાકાંઠા વિસ્તારમાં બિનવારસી હાલતમાં પડ્યો હતો જેનો કબજો પોલીસે મેળવ્યો હતો.

એક સપ્તાહમાં 100 જેટલા પેકેટ મળી આવ્યા
છેલ્લા એક સપ્તાહ દરમિયાન મળી આવેલા ચરસના આશરે 100 જેટલા પેકેટની કિંમત 50 કરોડ સુધી થવા જાય છે. આજે દેવભૂમિ દ્વારકા પોલીસને મળેલા આશરે વીસેક કરોડની કિંમતના નશાકારક પદાર્થની ફોરેન્સિક તપાસ તેમજ વજન સહિત વિવિધ બાબતે ચકાસણી ચાલી રહી છે. જેની બીજી સત્તાવાર વિગતો આજે સાંજ સુધીમાં પોલીસ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવશે. આ પ્રકરણમાં જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના વડપણ હેઠળ એસ.ઓ.જી., એલ.સી.બી. તેમજ મીઠાપુર પોલીસ દ્વારા વિવિધ દિશાઓમાં કામગીરી કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા હજુ પણ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃગુજરાત : રૂપિયા 1 કરોડના ડ્રગ્સ મામલે SOGએ ઉત્તર પ્રદેશ સુધી પીછો કરી આરોપીને પકડ્યો

Back to top button