બનાસકાંઠામાં હીટ એન્ડ રનમાં 2 લોકોના મોત, રૂંવાડા ઉભા કરી દે તેવો અકસ્માત CCTVમાં કેદ
છેલ્લા કેટલાક સમયથી બેફામ ગતિએ કાર ચલાવતા લોકોની બેદરકારીના કારણે અકસ્માતના કિસ્સાઓ વધી રહ્યા છે, જેના કારણે ઘણા લોકોના મૃત્યુ પણ થઈ રહ્યા છે. આવી જ એક ઘટના બનાસકાંઠામાંથી સામે આવી છે. જેમાં એક બેફામ ઝડપે ચાલતી કારે બે વ્યક્તિને અડફેટે લેતા એક જ પરિવારના બે સભ્યોના મોત નિપજ્યા છે, જ્યારે એક સભ્ય હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.
આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. CCTVમાં સ્પષ્ટ જોવા મળે છે કે, બે પૌત્રને લઈને દાદા દૂધની બરણી લઇને ડેરીએ દૂધ આપવા જાય છે. ત્યારે સામે આવેલા હાઇવે પર વાહન ઉભું રહે તેની રાહ જોવે છે. ત્યારે પાછળથી એક છોકરી પણ દોડતી જોવા મળે છે. તે દૂધ ભરાવવા નીકળેલા વડીલની પુત્રી છે. આ પુત્રી પોતાના પિતા પાસે પહોંચે એ પહેલાં જ રાજસ્થાન તરફથી આવતી એક કાર દાદા અને બંને પૌત્રને ફૂટબોલની જેમ ઉછાળે છે, જેમાં દાદા અને એક પૌત્રનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઇ જાય છે, જ્યારે એક પૌત્ર હાલ હોસ્પિટલમાં જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઇ રહ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સવારે બનાસકાંઠાનાં પાલનપુર-આબુ રોડ પર અમીરગઢના રામજિયાણી પાટિયા પાસે દાદા અને બે પૌત્ર દૂધ ભરાવા જઇ રહ્યા હતા, તે દરમિયાન નેશનલ પાલનપુર આબુરોડ હાઇવે ક્રોસ કરતાં પહેલા વાહનો જોઈને સાઈડમાં ઊભા રહ્યા હતા, પરંતુ રાજસ્થાન તરફથી બેફામ ઝડપે આવી રહેલી કારે દાદા અને બંને પૌત્રને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર વાગતા જ ત્રણેયને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમાં ધટનાસ્થળે જ પૌત્ર અને દાદાનું મુત્યુ થયું હતું અને એક પૌત્ર ગંભીર રીતે ઘાયલ થતાં સ્થાનિકો દ્વારા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. બનાવના પગલે આજુબાજુના લોકો ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસે તત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. દાદા અને પૌત્રનાં મોત થતાં પરિવાર પર આભ ફાટ્યું છે.