ઉપલેટાનાં આહિર અગ્રણીની મુંબઈમાં હત્યા કરી લાખોની લૂંટ : એક શખસની અટકાયત, એકની શોધખોળ


- કાળાભાઈ સુવાની હોટેલમાં થઈ હત્યા
- હોટેલના જ વેઈટરે નિપજાવી હત્યા
- હત્યા કરી રોકડા રૂપિયા તથા ઘડિયાળ અને વીંટી લઈ ગયા
ઉપલેટા તાલુકાના આહીર અગ્રણી અને સીટીઝન જીમખાનાના પ્રમુખ કાળાભાઇ રામભાઇ સુવાની કાલે મુંબઇ થાણેની પ્રીન્સ હોટલમાં વેઇટરે લૂંટના ઇરાદે બરફ કાપવાના સુયાથી ચહેરા અને ગરદન પર હુમલો કરી હત્યા કરી હતી. હત્યા બાદ વેઇટર રૂપિયા ભરેલી બેગ અને હાથમાં પહેરેલી રાડો ધડિયાળ તેમજ વીંટી લઇને ફરાર થઇ ગયો હતો. આ બનાવની પોલીસને જાણ કરાતા પોલીસે મૃતદેહને સરકારી હોસ્પીટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો હતો. આરોપી વેઇટર સામે હત્યાનો ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી હતી.
સમાજના અગ્રણીઓ ઘરે પહોંચ્યા હતા
આ સમાચાર આવતા ઉપલેટાના આહીર સમાજમાં ચર્ચાનો વિષય બનેલ હતો પરંતુ આ બનાવના થોડા જ કલાકોમાં ઉપલેટા શહેરમાં મોત કુદરતી નહીં પણ લૂંટને ઇરાદે હત્યા થયાનું બહાર આવ્યું હતું. મુંબઇ નજીક થાણેના જંબલીનાકા વિસ્તારમાં આવેલ પ્રીન્સ હોટલમાં 12 થી 2 વાગ્યાની વચ્ચે હોટલના વેઇટર દ્વારા બરફ કાપવાના સુયાથી લૂંટના ઇરાદે કાળાભાઇની હત્યા કરી હતી. કારાભાઇ સુવાની હોટલના વેઇટરે હત્યા કરી હોટલમાં રહેલ રૂપિયા ભરેલી બેગ, હાથમાં પહેરેલી રાડો ધડિયાળ અને વીંટી લઇ વેઇટર ફરાર થઇ ગયો હતો.