ગુજરાતટોપ ન્યૂઝ

બિયારણ, ખાતર અને દવા અંગે ખેતીવાડી વિભાગની 19 ટીમોનું રાજ્યભરમાં 2 દિવસ સઘન ચેકીંગ

Text To Speech
  • ખેડૂતોને ગુણવત્તા યુક્ત ખાતર, બિયારણ અને દવા મળી રહે તે માટે ખાસ ઝુંબેશ
  • બિયારણના 210, ખાતરના 51 અને દવાના 29 નમૂનાઓ ચકાસણી માટે લેબમાં મોકલાશે
  • આજે 234 જેટલી નોટિસ ઈશ્યુ કરવામાં આવી
  • બિયારણ-ખાતર અને દવાનો અંદાજે રૂ.1.68 કરોડનો જથ્થો અટકાવાયો

ગાંધીનગર, 24 મે : રાજ્યના ખેડૂતોને ગુણવત્તાયુક્ત ખાતર, બિયારણ અને દવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકારના ખેતીવાડી ખાતા દ્વારા રાજ્યવ્યાપી દ્વિ-દિવસીય ખાસ સઘન ચકાસણી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ હેતુસર સમગ્ર રાજ્યમાં ક્ષેત્રીય કક્ષાએથી 39 ટીમો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી. રાજ્ય સરકારે આ ઝુંબેશને વધુ વેગવંતી બનાવવા તા.23થી સ્ટેટ લેવલની 19 સ્ક્વોડ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સઘન ચકાસણી હાથ ધરી છે.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધરતીપુત્રોને બિયારણ, ખાતર અને દવા ગુણવત્તા યુક્ત મળે તે સુનિશ્ચિત કરવા રાજ્યના ખેતીવાડી વિભાગને આપેલા દિશા-નિર્દેશો અનુસાર આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં વિવિધ ઈનપુટના ૩૨ ઉત્પાદકો તેમજ બિયારણના ૪૧૭, ખાતરના ૨૬૮ અને દવાના ૩૭૮ વિક્રેતાઓની આ ઝુંબેશ અન્વયે ખેતીવાડી વિભાગની ટીમ દ્વારા તપાસણી મુલાકાત લીધી છે.

આ મુલાકાત દરમિયાન બિયારણના ૨૧૦, ખાતરના ૫૧ અને દવાના ૨૯ એમ કુલ ૨૯૦ નમૂના લેવામાં આવ્યા છે જેને પૃથક્કરણ માટે રાજ્યની જુદી જુદી માન્ય લેબમાં એનાલિસિસ માટે મોકલવામાં આવશે. આ જે ૨૯૦ નમૂના એકત્ર કરવામાં આવ્યા છે તેમાં કપાસના ૧૦૮ નમૂના લેવાય છે તેમાં ૪૩ નમૂના શંકાસ્પદ જીનેટીકલી મોડીફાઇડ અને અનઅધિકૃત કપાસ તરીકે લેવામાં આવ્યા છે. એટલું જ નહીં, સાબરકાંઠા જિલ્લામાં લેવાયેલા કપાસના આઠ નમૂના પૈકીના પાંચ નમૂના શંકાસ્પદ જીનેટીકલી મોડીફાઇડ અનઅધિકૃત કપાસ તરીકે લેવાય છે. ખાસ કિસ્સામાં પાંચ દિવસમાં તેનું એનાલિસિસ કરીને પરિણામ જાહેર કરાશે.

આ સઘન ચકાસણી ઝુંબેશ દરમિયાન તા. ૨૩-૦૫-૨૦૨૪ ના પ્રથમ દિવસે એક જ દિવસમાં અંદાજે ૧.૬૮ કરોડ રૂપિયાનો જથ્થો અટકાવવામાં આવ્યો છે જેમાં બિયારણનો ૫૨,૬૧૯ કિલોગ્રામ, ખાતરનો ૮૨ મેટ્રિક ટન અને દવાઓનો ૬૦૦ કિલોગ્રામ/લિટર જથ્થાનો સમાવેશ થાય છે. આ રાજ્ય વ્યાપી સઘન ચકાસણી ઝુંબેશ દરમિયાન ૧૯ ટીમને જોવા મળેલી અલગ-અલગ ખામીઓ ધ્યાનમાં લેતા ૨૩૪ જેટલી નોટિસ પણ આપવામાં આવી છે.

Back to top button