ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બ્રિજભૂષણ સિંહના પુત્ર કરણના કાફલાની કાર સાથે ટકરાતાં 2 બાઇક સવારના મૃત્યુ, 1 ઘાયલ

Text To Speech
  • ભાજપના ઉમેદવાર કરણ ભૂષણ સિંહના કાફલાની કારે 3 બાઇક સવારને કચડી નાખ્યા

ગોંડા, 29 મે: ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહના પુત્ર અને ભાજપના ઉમેદવાર કરણ ભૂષણ શરણ સિંહના કાફલાની કાર સાથે મોટો અકસ્માત થયો છે. આ ફોર્ચ્યુનર કારે 3 બાઇક સવાર યુવકોને કચડી નાખ્યા છે. આ અકસ્માતમાં બે યુવકોના મૃત્યુ થયા છે અને એક ઘાયલ થયો છે.

 

ક્યાં થયો અકસ્માત?

આ અકસ્માત ઉત્તર પ્રદેશના ગોંડામાં કર્નલગંજ હુજુરપુર રોડ પર બૈકુંઠ ડિગ્રી કોલેજ પાસે થયો હતો. ઘટના સ્થળે ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી અને ગ્રામજનોએ ફોર્ચ્યુનર કારનો કબજો લઈ લીધો હતો. મોટી સંખ્યામાં પોલીસ દળો ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને યુવકોના મૃતદેહોને કબજે લેવામાં આવ્યા છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, કરણ ભૂષણના કાફલાની કાર સાથે અકસ્માત થયો હતો. તે સમયે કરણ કાફલામાં હાજર હતો કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે. કરણ ભૂષણનું નામ ફરિયાદમાં નથી. ફરિયાદના આધારે કર્નલગંજ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે ફોર્ચ્યુનર કાર અને તેના ચાલકની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ ફોર્સ સ્થળ પર હાજર છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામાન્ય છે.

કોણ છે કરણ ભૂષણ સિંહ?

યુપીની કૈસરગંજ લોકસભા બેઠક પર ભાજપે વર્તમાન સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહની ટિકિટ રદ્દ કરીને તેમના પુત્ર કરણ ભૂષણ સિંહને ઉમેદવાર બનાવ્યા છે. કરણ બ્રિજભૂષણનો નાનો પુત્ર છે. તે ડબલ ટ્રેપ શૂટિંગમાં રાષ્ટ્રીય ખેલાડી રહી ચૂક્યો છે.

કરણે BBA અને LLB કર્યું છે અને ઓસ્ટ્રેલિયાથી બિઝનેસ મેનેજમેન્ટમાં ડિપ્લોમા કર્યું છે. હાલમાં તે યુપી રેસલિંગ એસોસિએશનના પ્રમુખ પણ છે. કરણ પહેલીવાર લોકસભાની ચૂંટણી લડી રહ્યો છે. કરણના મોટા ભાઈ પ્રતીક ભૂષણ ગોંડા સદરથી ભાજપના ધારાસભ્ય છે.

આ પણ જુઓ: ચીને 1962માં ભારત ઉપર આક્રમણ કર્યું હોવાનું કોંગ્રેસ પક્ષ માનતો નથી? જાણો શું છે નવો વિવાદ

Back to top button