1984ના શીખ વિરોધી રમખાણો: ગૃહ મંત્રાલય પાસેથી બે અઠવાડિયામાં રિપોર્ટ માંગતું SC
નવી દિલ્હી, 20 ડિસેમ્બર : સુપ્રીમ કોર્ટે 2018ના શીખ વિરોધી રમખાણોના કેસોની તપાસ કરવા માટે રચાયેલી જસ્ટિસ એસએન ઢીંગરાની અધ્યક્ષતાવાળી SITની ભલામણોને લાગુ કરવા માટેની અરજી પર કેન્દ્રીય ગૃહ મંત્રાલય પાસેથી બે અઠવાડિયામાં સ્ટેટસ રિપોર્ટ માંગ્યો છે.
ગૃહ મંત્રાલયે સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા માટે સુપ્રીમ કોર્ટ પાસે બે અઠવાડિયાનો સમય માંગ્યો છે. કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ કોર્ટને જણાવ્યું કે જસ્ટિસ ઢીંગરા કમિટીની કેટલીક ભલામણો લાગુ કરવામાં આવી છે. કેટલાક પગલા લેવામાં આવ્યા છે. કેટલીક અપીલો દાખલ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, 1984ના શીખ વિરોધી રમખાણોના કેસમાં તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવા અને લગભગ 200 બંધ કેસોને ફરીથી ખોલવાની શક્યતા જસ્ટિસ ઢીંગરા કમિટીએ તપાસી હતી. તેનો અહેવાલ કેન્દ્ર સરકારને સુપરત કર્યો હતો.
1984માં તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની તેમના અંગરક્ષકો દ્વારા હત્યા બાદ દિલ્હીમાં મોટા પાયે હિંસા થઈ હતી અને શીખ સમુદાયના લોકોની હત્યા થઈ હતી. નાણાવટી કમિશનના રિપોર્ટ અનુસાર, 1984ના રમખાણોના સંબંધમાં દિલ્હીમાં કુલ 587 FIR નોંધવામાં આવી હતી. રમખાણોમાં કુલ 2,733 લોકો માર્યા ગયા હતા.
આ પણ વાંચો :- સંસદમાં મારામારીના કેસમાં રાહુલ ગાંધી સામેની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપાઈ