અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

રાજ્યમાં ૧૯૦૩ સ્ટાફ નર્સની ભરતી કરાશેઃ જાણો ક્યારે શરૂ થશે અરજી પ્રક્રિયા?

Text To Speech
  • રાજ્યના સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલ માટે સીધી ભરતી દ્વારા સ્ટાફનર્સની ભરતી કરાશે
  • તા. ૫ ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશે
  • OJAS પ્લેટફોર્મ મારફતે અરજી કરી શકાશે
  • સમગ્ર ભરતી પ્રક્રિયા ૬ થી ૮ મહિનામાં પૂર્ણ થશે

ગાંધીનગર, 3 ઑક્ટોબર, 2024: રાજ્યના સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં સ્ટાફ નર્સની ભરતી કરવામાં આવશે. આરોગ્ય વ્યવસ્થા સુદૃઢ રહે અને દર્દીઓને કોઈ મુશ્કેલી ન પડે એ હેતુથી સ્ટાફ નર્સની ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું રાજ્ય સરકાર દ્વારા આજે જાહેર કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા ૧૯૦૩ સ્ટાફ નર્સની ભરતી કરવાનો નિર્ણય કરાયો છે. રાજ્યના સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલમાં સીધી ભરતીથી આ સ્ટાફ નર્સની ભરતી કરીને નિમણૂક કરવામાં આવનાર છે.

આ જગ્યાઓ માટે તા. ૫ ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ થશે. ઉમેદવારોએ OJAS પ્લેટફોર્મના માધ્યમથી લાયક ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે.

રાજ્ય સરકારની યાદીમાં જણાવ્યા અનુસાર, આ સ્થાન માટે લાયકાત ધરાવતા ઉમેદવારોની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષાનાં પરિણામ અને પસંદગી યાદી પ્રસિધ્ધ કરી ડોક્યુમેન્ટ ચકાસણી કરવામાં આવશે.

ડૉક્યુમેન્ટ્સ ચકાસણીના અંતે આખરી મેરિટ યાદી પ્રસિધ્ધ કરાશે. આખરી મેરીટ યાદીમાં સમાવેશ થતા ઉમેદવારોને સંપૂર્ણપણે પારદર્શી પ્રક્રિયા હાથ ધરીને નિમણૂક આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ સમગ્ર ભરતી પ્રક્રિયા ૬ થી ૮ મહિનામાં પૂર્ણ કરવામાં આવનાર છે.

અત્રે નોંધનીય છે કે, રાજ્યમાં ૧૦ વર્ષ પહેલા સ્ટાફનર્સ વર્ગ- ૩ ની કુલ – ૭૭૮૫ જગ્યાઓ મંજૂર કરાઇ હતી. જે મંજૂર જગ્યાઓમાં સમયાંતરે જરૂરિયાત પ્રમાણે વધારો કરવામાં આવ્યો છે. હાલમાં રાજ્યના વિવિધ આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલમાં કુલ ૧૨,૧૦૧ જગ્યાઓ મંજૂર છે. રાજ્યમાં છેલ્લા ૧૦ વર્ષમાં કુલ ૭૭૩૨ સ્ટાફ નર્સ વર્ગ-3 ની જગ્યાઓ સીધી ભરતી દ્વારા ભરવામાં આવી છે. સ્ટાફ નર્સની બઢતી / વયનિવૃત સહિતના વિવિધ કારણે ખાલી પડતી જગ્યાઓ ભરવા દર બે વર્ષના અંતરે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે.

આ પણ વાંચોઃ દેશનો વિકાસ રોકવા માગે છે 5 NGO, IT વિભાગની તપાસમાં થયો ઘટસ્ફોટ

Back to top button