ટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

19 વર્ષીય બેટ્સમેને રચ્યો ઈતિહાસ, સચિન તેંડુલકરનો 33 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

  • દુલીપ ટ્રોફી 2024ની શરૂઆત સાથે જ 19 વર્ષીય બેટ્સમેન અને સરફરાઝ ખાનના નાના ભાઈએ તબાહી મચાવી દીધી

નવી દિલ્હી, 6 સપ્ટેમ્બર: દુલીપ ટ્રોફી 2024ની શરૂઆત સાથે જ 19 વર્ષીય બેટ્સમેન મુશીર ખાને બેટથી તબાહી મચાવી દીધી છે. ઈન્ડિયા-બી તરફથી રમતા મુશીર ખાને બેંગલુરુમાં ભારત સામે 181 રનની શાનદાર ઈનિંગ રમી અને સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે.  દુલીપ ટ્રોફી 5 સપ્ટેમ્બરથી શરૂ થઈ છે જેમાં 4 ટીમો ભાગ લઈ રહી છે. દુલીપ ટ્રોફીની પ્રથમ મેચમાં ઈન્ડિયા-A અને ઈન્ડિયા-B વચ્ચે મેચ રમાઈ રહી છે, જેમાં પ્રથમ દિવસે ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર યશસ્વી જયસ્વાલ, ઋષભ પંત, સરફરાઝ ખાન અને વોશિંગ્ટન સુંદર જેવા સ્ટાર્સે મેદાન માર્યું હતું. તેમના પછી આ 19 વર્ષીય બેટ્સમેને રન બનાવવાનું કામ હાથમાં લીધું અને એક છેડે પગ જમાવી રાખ્યો, તેણે પહેલા જ દિવસે શાનદાર સદી ફટકારવાનું મહાન પરાક્રમ કર્યું. આ બેટ્સમેન બીજું કોઈ નહીં પણ સરફરાઝ ખાનનો નાનો ભાઈ મુશીર ખાન છે, જેણે દુલીપ ટ્રોફીમાં ડેબ્યૂ સાથે સદી ફટકારીને એક મહાન સિદ્ધિ હાંસલ કરી હતી.

 

દુલીપ ટ્રોફી ડેબ્યૂમાં જ રેકોર્ડ બનાવ્યો

પ્રથમ દિવસની રમતના અંતે મુશીર ખાન 227 બોલમાં અણનમ 105 રન બનાવીને પરત ફર્યો હતો અને તેની ટીમનો સ્કોર 7 વિકેટે 202 રન હતા. બીજા દિવસની શરૂઆતમાં, મુશીર ખાને ફરી એકવાર ચાર્જ સંભાળ્યો અને નવદીપ સૈની સાથે મળીને 8મી વિકેટ માટે 204 રનની શાનદાર પાર્ટનરશીપ કરી. આ દરમિયાન મુશીરે પણ પોતાનો સ્કોર 150થી આગળ કર્યો હતો. સરફરાઝનો નાનો ભાઈ ડેબ્યુ મેચમાં બેવડી સદી ફટકારવાની અણી પર હતો ત્યારે કુલદીપ યાદવે તેને આઉટ કર્યો હતો. આ રીતે મુશીરની આ ઐતિહાસિક ઇનિંગ્સનો અંત આવ્યો.

સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો

ભલે મુશીર તેની દુલીપ ટ્રોફીની ડેબ્યુ મેચમાં બેવડી સદી ફટકારી શક્યો નહીં, પરંતુ તેણે સચિન તેંડુલકરના 33 વર્ષ જૂના રેકોર્ડને તેની 181 રનની ઇનિંગથી તોડી નાખ્યો. મુશીરે 373 બોલનો સામનો કર્યો અને તેની ઇનિંગમાં 16 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા અને તે દુલીપ ટ્રોફીની ડેબ્યૂ મેચમાં ટીનેજર (20 વર્ષથી ઓછી ઉંમરના) માટે ત્રીજો સૌથી વધુ સ્કોરર બન્યો. આ પહેલા આ રેકોર્ડ સચિન તેંડુલકરના નામે હતો જેણે જાન્યુઆરી 1991માં દુલીપ ટ્રોફીની પોતાની ડેબ્યૂ મેચમાં 159 રન બનાવ્યા હતા. હવે મુશીર ખાને સચિન તેંડુલકરને ચોથા સ્થાને ધકેલી દીધો છે.

દુલીપ ટ્રોફી ડેબ્યૂ મેચમાં સૌથી મોટી ઇનિંગ રમનારા ટીનેજરનો રેકોર્ડ બાબા અપરાજિતના નામે છે. બાબાએ 212 રન બનાવ્યા હતા. આ પછી યશ ધુલ બીજા સ્થાને છે. તેણે પોતાની ડેબ્યૂ મેચમાં 193 રનની ઇનિંગ રમી હતી. આ બે ખેલાડીઓ બાદ હવે સરફરાઝના ભાઈ મુશીરે આ વિશેષ યાદીમાં ત્રીજા નંબરે પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.

આ પણ જૂઓ: ગણેશ મહોત્સવમાં દેખાયો રોહિતને ક્રેઝ, બાપ્પાના હાથે ટ્રોફી લેતો દેખાયો કેપ્ટન

Back to top button