ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ
સતત વરસાદના પગલે સૌરાષ્ટ્રમાં 184 વીજ ફિડર બંધ : 231 વીજ પોલને ભારે નુકસાન
છેલ્લા એક સપ્તાહથી સતત વરસાદના પગલે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વીજ પુરવઠાને પણ વ્યાપક અસર થઇ છે. સૌરાષ્ટ્રમાં ગીર પંથક, વેરાવળ, પોરબંદર, દ્વારકા પંથકમાં મેઘરાજાની મહેર સાથે કયાંક કહેર પણ જોવા મળી રહી છે પરિણામે કોડિનાર, ઉના, વેરાવળ, સૂત્રાપાડા, ભૂજ, જામનગર વિગેરે વિસ્તારોમાં ભારે વરસાદના લીધે અનેક જગ્યાએ વીજ ફિડર બંધ થઇ ગયા છે. અમુક તાલુકા તેમજ હાઇ-વે ઉપર ખાસ કરી દરિયાકાંઠાના વિસ્તારોમાં વીજ પોલ ધરાશાયી થઇ ગયાની વિગતો બહાર આવી છે. સૌરાષ્ટ્રમાં 231 વીજ પોલને નુકસાન થયું છે. ભૂજ પંથકના 32 ગામોમાં અંધારપટ્ટ છવાઇ ગયુ છે. જ્યારે ખેતીવાડીના 171 ફિડર બંધ થઇ ગયા છે.
ક્યાં કેટલા વીજપોલ પડ્યા ?
સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વીજપોલ જામનગરમાં 64, અંજારમાં 53, પોરબંદરમાં 23, જૂનાગઢમાં 23, ભાવનગરમાં 20, અમરેલીમાં 24 તેમજ રાજકોટ ગ્રામ્યમાં 17, ભૂજમાં સાત મળી આશરે 231 વિજળીના થાંભલાને નુકસાન થયુ છે. કેટલાક ભારે વરસાદના પગલે ધરાશાયી થઇ ગયા છે. સૌરાષ્ટ્રમાં 184 ફિડર બંધ થઇ જતા વીજ પુરવઠાને વ્યાપક અસર થઇ છે જેના પગલે પીજીવીસીએલના ઇજનેરો સહિતની લાઇનમેન સાથેની ટીમ દોડધામ કરી રહી છે પાણી ભરાઇ ગયા હોવાથી ટ્રાન્સફોર્મર ઉભા કરવામાં મુશ્કેલી પડે છે.
સૌરાષ્ટ્રમાં ખેતીવાડીના 197 ફીડર ફોલ્ડમાં ગયા
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે 20 ગામોમાં વીજપુરવઠો બંધ રહ્યો હતો. તેમજ 200થી વધુ વીજપોલ તૂટી પડ્યા હતા. રાજકોટ શહેરમાં આજે દિવસ દરમિયાન અનેક સ્થળે ટ્રાન્સફોર્મરમાં ધડાકા થતા કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાય ગયો હતો. યુનિ. રોડ, કાલાવડ રોડ, રૈયા રોડ સહિતનાં વિસ્તારોમાં વીજળી વેરણ થતાં લોકોએ પારાવાર હાલાકી ભોગવવી પડી હતી. એગ્રીકલ્ચરનાં 197 ફીડર ફોલ્ટમાં ગયા હતાં. જ્યારે જૂનાગઢ વર્તુળ કચેરી હેઠળનાં અંતરિયાળ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે સંખ્યાબંધ વીજ લાઈનો તૂટી પડ્યા હતા. આ વિસ્તારમાં ઝડપથી ખેતીવાડી સહિતનાં વીજ જોડાણોને વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવા માટે ઉચ્ચ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની ટીમ આ વિસ્તારમાં દોડી ગઈ હતી.