અમદાવાદગુજરાત

નોકરી આપવાના બહાને 6 હજાર લોકો પાસેથી 18 લાખ ખંખેર્યા, દિલ્હીની ગેંગ ઝડપાઈ

Text To Speech

અમદાવાદ, 2 માર્ચ 2024, ગુજરાતમાં નોકરી આપવાના બહાને લોકોને છેતરતી ગેંગનો પર્દાફાશ થયો છે. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચ દ્વારા સ્વાસ્થ્ય ગ્રામિણ કલ્યાણ સંસ્થાન ન્યૂ દિલ્હીના નામથી અખબારોમાં જાહેરાત આપીને લોકોને નોકરી આપવાના બહાને છેતરતી ગેંગના ત્રણ લોકોની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ગેંગ અખબારોમાં ઉપરોકત સંસ્થાના નામે જાહેરાત આપીને દરેક જિલ્લામાં અલગ અલગ પોસ્ટ પર નોકરી આપવાના બહાને છેતરપિંડી આચરી છે.સરકારી નોકરી આપવાના બહાને 6500 થી વધુ ઉમેદવારો પાસેથી 18 લાખથી વધુ રકમ પડાવી લેનાર ગેંગને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી છે.

ઓનલાઈન 2450 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતાં
પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજ્યમાં અખબારોમાં સ્વાસ્થ્ય ગ્રામિણ કલ્યાણ સંસ્થાન ન્યૂ દિલ્હીના નામથી નોકરી આપવાની જાહેરાત આપવામાં આવતી હતી. ત્યાર બાદ તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવતી હતી. જેથી વધુ લોકો નોકરી માટે આવી શકે. ત્યારે રાજ્યમાં ઘણા લોકોએ નોકરીની લાલચમાં આવીને ફોર્મ ભર્યા હતાં અને ત્યાર બાદ ઓનલાઈન 2450 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતાં. તે ઉપરાંત આ સંસ્થા તરફથી ઉમેદવારોને ટ્રેનિંગમાં મોકલવાના બહાને વધુ રૂપિયા પડાવવામાં આવતા હતાં. ત્યારે આ સંસ્થાના નામે લોકોને છેતરતા લોકોને પકડવા માટે ક્રાઈમ બ્રાંચને તપાસ સોંપવામાં આવી હતી.

ઉમેદવારો પાસેથી 18 લાખથી વધુની રકમ મેળવી
ક્રાઈમ બ્રાંચે ભોગ બનેલા લોકોને સંપર્ક કરીને આ કેસમાં વધુ તપાસ આગળ વધારી હતી. તપાસ દરમિયાન ક્રાઈમ બ્રાંચે દિલ્હીના અકરમ અસ્પાક હુસૈન તુર્ક, ઉત્તર પ્રદેશના મનોજ જયપ્રકાશ શર્મા અને શિવશંકર વૃંદાવન અવસ્થીને પકડી પાડ્યા હતાં. તેમની પાસેથી પાંચ મોબાઈલ,એક લેપટોપ સહિત કુલ 48 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપીઓએ પુછપરછમાં કુલ છ સંસ્થાઓના નામ આપ્યા હતાં. તેમણે આ સંસ્થાઓમાં નોકરી મેળવવા ઈચ્છુક સાડા 6 હજારથી વધુ ઉમેદવારો પાસેથી 18 લાખથી વધુની રકમ મેળવી હતી.

આ પણ વાંચોઃશ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની ‘ખોડલધામ’ એપ્લિકેશન લોન્ચ કરાઈ

Back to top button