અમદાવાદ, 28 ઓગસ્ટ 2024, હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ગત ત્રણ દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ આગામી બે થી ત્રણ દિવસ માટે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકામાં સૌથી વધુ 18 ઇંચ કરતા પણ વધારે વરસાદ વરસ્યો છે. જ્યારે, સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માત્ર 24 કલાકમાં અધધ 12 ઈંચથી વધુ, જામનગર જિલ્લામાં 11 ઈંચથી વધુ અને પોરબંદર જિલ્લામાં 9 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
પોરબંદર તાલુકામાં 10 ઈંચ જેટલો વરસાદ નોંધાયો
જામનગર તાલુકામાં 15 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જામનગરના જામજોધપુર અને લાલપુર તાલુકામાં પણ 13 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જામનગરના કાલાવડ અને પોરબંદરના રાણાવાવ તાલુકામાં 11 ઈંચથી વધુ, દેવભૂમિ દ્વારકાના ભાણવડ, કલ્યાણપુર અને દ્વારકા તાલુકા ઉપરાંત રાજકોટના કોટડા સાંગાણી તાલુકામાં તથા પોરબંદર તાલુકામાં 10 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે, રાજકોટ તાલુકા 9 ઇંચથી વધુ વરસાદ થયો છે.જામનગરના ધ્રોલ તેમજ રાજકોટના ધોરાજી અને જામકંડોરણા તાલુકામાં 7 ઈંચથી વધુ જ્યારે, રાજકોટના ગોંડલ, પોરબંદરના કુતિયાણા અને જામનગરના જોડીયા તાલુકામાં 6 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.આ ઉપરાંત મોરબીના વાંકાનેર અને ટંકારા તાલુકામાં, જુનાગઢના વિસાવદર, વંથલી, માણાવદર, મેંદરડા અને કેશોદ તાલુકા ઉપરાંત રાજકોટના ઉપલેટા તાલુકામાં ૫ ઈચ જેટલો વરસાદ ખાબક્યો છે.
રાજયમાં સિઝનનો 105 ટકા વરસાદ પડયો
છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના 12 તાલુકામાં 4 ઈંચથી વધુ, 8 તાલુકામાં 3 ઈંચથી વધુ, 27 તાલુકામાં 2 ઈંચથી વધુ તેમજ 98 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના 80 તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યના કુલ 250 તાલુકામાં સરેરાશ 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 100 ટકાને પાર કરીને 105 ટકા સુધી પહોંચ્યો છે. આ વર્ષે કચ્છ ઝોનમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ 125 ટકાથી વધુ અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં 116 ટકાથી વધુ તેમજ દક્ષિણ ગુજરાત ઝોનમાં 109 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાતમાં 102 ટકાથી વધુ, જ્યારે, ઉત્તર ગુજરાતમાં હજુ સુધી 84 ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચોઃઅમદાવાદમાં સિઝનનો 33 ટકા વરસાદ ત્રણ દિવસમાં જ આવ્યો