ટોપ ન્યૂઝવર્લ્ડ

હૈતી પરપ્રાંતીયોને લઈ જતી બોટ બહામાસના દરિયામાં પલટી, 17ના મોત, 25નો બચાવ

Text To Speech

બહામાસમાં હૈતી પરપ્રાંતીયને લઈ જતી બોટ પલટી ગઈ હોવાની ઘટના બની હતી.જેમાં 17 લોકોના મોત થયા છે જયારે 25 જેટલા પ્રવાસીઓને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ આ ઘટના રવિવારે વહેલી સવારે બની હતી. મિયામી જઈ રહેલી બોટમાં 60 લોકો સવાર હતા. આ દરમિયાન બોટનું સંતુલન ખોરવાઈ ગયું હતું અને તમામ પ્રવાસીઓ દરિયામાં ખાબક્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, બોટ ન્યુ પ્રોવિડન્સથી લગભગ 7 માઈલ દૂર ડૂબી ગઈ હતી.

બહામાસના દરિયાકાંઠે એક બોટ પલટી, 17 લોકોના મોત 

સાથે જ બહામિયાના વડાપ્રધાન ફિલિપ ડેવિસે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે બચાવકર્તાઓએ એક બાળક સહિત 17 લોકોના મૃતદેહ બહાર કાઢ્યા છે. તેમજ અત્યાર સુધીમાં 25 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ડેવિસે કહ્યું કે અધિકારીઓ માને છે કે તેઓ બધા સ્પીડબોટમાં મિયામી જઈ રહ્યા હતા.

બોટમાં 60 લોકો સવાર હતા 

સ્પીડબોટમાં 60થી વધુ લોકો સવાર હતા સ્થળાંતર કરનારાઓના મૃત્યુ પર શોક વ્યક્ત કરતા ડેવિસે કહ્યું, ‘હું મારી સરકાર અને બહામાસના નાગરિકો વતી આ દુર્ઘટનામાં માર્યા ગયેલા સ્થળાંતર કરનારાઓના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું.’ તે જ સમયે, હૈતીના વડા પ્રધાન એરિયલ હેનરીએ પણ ઘટના અંગે દુઃખ પણ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે, તેમને પીડિત પરિવારો પ્રત્યે સહાનુભૂતિ છે.

અકસ્માતમાં હજુ પણ ઘણા લોકો ગુમ

પોલીસ કમિશનર ક્લેટન ફર્નાન્ડરે જણાવ્યું કે સ્પીડ બોટમાં 60થી વધુ લોકો સવાર હતા. એવું માનવામાં આવે છે કે સ્પીડબોટ ઓવરલોડિંગને કારણે તેનું સંતુલન ગુમાવી દીધી હતી અને સમુદ્રની વચ્ચે પલટી ગઈ હતી. ન્યૂ પ્રોવિડન્સ આઇલેન્ડથી લગભગ 7 માઇલ (11 કિમી) દૂર આ અકસ્માત થયો હતો. અકસ્માતમાં હજુ પણ ઘણા લોકો ગુમ છે.

Back to top button