અમદાવાદઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝ

કેદારનાથમાં ભૂસ્ખલનમાં ફસાયેલા અરવલ્લીના 17 યાત્રિકોનું ગણતરીના કલાકોમાં રેસ્ક્યુ કરાયુ

Text To Speech

અમદાવાદ, 02 ઓગસ્ટ 2024, ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન બાદ કેદારનાથ યાત્રા બે દિવસ માટે રોકી દેવામાં આવી છે. કેદારનાથમાં વાદળ ફાટ્યા બાદ લિંચોલી અને ભીંબલીમાં પગપાળા માર્ગ પર ફસાયેલા 2000થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. તેમને બચાવવા માટે ચિનૂક અને MI-17 હેલિકોપ્ટર સહિત 7 હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી હતી. ત્યારે કેદારનાથ ધામની યાત્રાએ ગયેલા અરવલ્લી જિલ્લાના 17 જેટલા ગુજરાતી યાત્રિકો ઉત્તરાખંડમાં મોટી લિન્ચોલી નજીક વરસાદ અને લેન્ડ સ્લાઈડિંગને કારણે ફસાઈ ગયા હતાં. તમામ 17 યાત્રિકોનું ગણતરીના કલાકોમાં જ રેસ્ક્યુ કરાયું હતું અને સહિ સલામત સુરક્ષિત સ્થળે પહોંચી ગયા હતાં.

ગુજરાતી યાત્રાળુઓની વિગતો અને સંપર્ક નંબર પહોંચાડ્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ ફસાયેલા યાત્રિકો અંગેની જાણ થતાં જ રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરને આ યાત્રિકોને સહિ સલામત સુરક્ષિત સ્થળે પહોંચાડવાની કાર્યવાહીનું તાત્કાલિક સંકલન કરવા સૂચનાઓ આપી હતી. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર પરથી રાહત કમિશ્નર આલોક પાંડેએ ઉત્તરાખંડ સરકારના એસ.ઈ.ઓ.સી. નો સંપર્ક સાધીને આ ફસાયેલા ગુજરાતી યાત્રાળુઓની વિગતો અને સંપર્ક નંબર વગેરે પહોંચાડ્યા હતાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ સમગ્ર ઘટનામાં રાહત કમિશ્નર અને એસ.ઈ.ઓ.સી.ને સતત જરૂરી માર્ગદર્શન આપતા રહ્યા હતાં.

યાત્રિકોને હેલિકોપ્ટર દ્વારા એર લિફ્ટ કરાયા
ઉત્તરાખંડ સરકારના એસ.ઈ.ઓ.સી. દ્વારા આ ફસાયેલા યાત્રાળુઓના રેસ્ક્યુ અંગે રુદ્રપ્રયાગ જિલ્લા કંટ્રોલ રૂમ સાથે પરામર્શમાં રહીને તત્કાલ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વાતાવરણ ક્લિયર થતાં જ ગુજરાતના આ બધા જ યાત્રિકોને હેલિકોપ્ટર દ્વારા એર લિફ્ટ કરીને ગણતરીના કલાકોમાં જ સહિ સલામત નીચે સુરક્ષિત સ્થળે પહોંચાડી દેવામાં આવ્યા છે. અરવલ્લીનાં આ યાત્રિકોના ગ્રુપના એક અગ્રણી શ્રી મનોજભાઈ પોતે સહુ યાત્રિકોને ટુંકા સમયમાં સહિ સલામત નીચે પહોંચાડી દેવા માટેની તત્કાલ વ્યવસ્થાઓ માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગુજરાત અને ઉત્તરાખંડના એસ.ઈ.ઓ.સી.ના અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચોઃવાયનાડ ભૂસ્ખલન પીડિતોની મદદ માટે આગળ આવ્યા લોકો, ચા વેચતી મહિલાએ જુઓ કેટલું દાન કર્યું ?

Back to top button