કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

રાજકોટમાંથી ઝડપાયું 1600 કિલો અખાધ પનીર

  • ઢેબર રોડ પર મનપાની ફૂડ શાખાનો દરોડો
  • વનસ્પતિ ઘીમાંથી બનાવેલ પનીર કોરુગેટેડ બોક્સમાં લુઝ પેકિંગમાં હતું
  • ભાવનગર જીલ્લાના મહુવાની રામકૃષ્ણ ડેરીથી આવ્યું હતું પનીર
  • રાજકોટની આઠ નામાંકિત ડેરીઓમાં આ પનીર સપ્લાય થવાનું હતું

રાજકોટમાં અમુક નફાખોર તત્ત્વો દ્વારા હલકી કક્ષાની ખાદ્ય સામગ્રી ધાબડીને લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરવામાં આવી રહ્યાનું પણ અત્યાર સુધીમાં અનેકવાર સામે આવી ચૂક્યું છે ત્યારે ફરીવાર રાજકોટમાંથી 1600 કિલો જેટલો અખાદ્ય પનીરનો જથ્થો પકડાતાં સ્વાદશોખીનોમાં સનસનાટી મચી જવા પામી છે. વનસ્પતિ ઘીમાંથી તૈયાર કરવામાં આવેલો પનીરનો આ જથ્થો ભાવનગરના મહુવામાં આવેલી રામકૃષ્ણ ડેરીમાંથી આવ્યો હોવાનું પ્રારંભીક તપાસમાં ખુલ્યું છે.

અગાઉ દરોડાની કાર્યવાહી દરમિયાન મળ્યો હતો શંકાસ્પદ જથ્થો

આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ મહાપાલિકાની ફૂડ શાખાએ બાતમીના આધારે શહેરના ઢેબર રોડ પર આવેલા ભાડલા પેટ્રોલપમ્પ નજીક આવેલી એક દુકાનમાં દરોડો પાડ્યો હતો. રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગને મળેલ માહીતી અન્વયે રાજકોટ શહેરમાં ભેળસેળ યુક્ત પનીર સપ્લાય થતું હોવાની માહીતી મુજબ ઢેબર રોડ પર ગઇકાલે તા.1ના રાત્રીના વોચ ગોઠવી આરોગ્ય અધિકારી ડો.જયેશ વકાણી, ડેઝીગ્નેટેડ ઓફિસર ડો.હાર્દિક મેતા, ફૂડ સેફ્ટી ઓફીસર આર.આર.પરમાર, ફૂડ સેફ્ટી ઓફિસર કે.એમ.રાઠોડ તથા ટીમ દ્વારા ભુતખાના ચોક, પેટ્રોલ પંપ પાસેથી બોલેરો ગાડી વાહન નં. જીજે 04 એડબલ્યુ 3877ને અટકાવી અન્યના વાહનમાં પનીર(લુઝ)ને સપ્લાય કરત ઇમ્તીયાઝભાઇ જુમાભાઇ કાનીયા (રહે.રામનાથપરા મેઇન રોડ, હુસેની ચોક, રાજકોટ)ની પુછપરછ કરતા તેઓ છેલ્લા દોઢ વર્ષથી રાજકોટ શહેર તથા આજુબાજુ તાલુકા વિસ્તારોમાં પનીર સપ્લાય હોવાનું જણાવ્યું હતું.

વાહનમાંથી 20 કિલોના પેકીંગ મળી આવ્યા હતા

તેથી વધુ તપાસ કરતા આ વાહનમાં રહેલ 80 બોક્સ(પ્રતિ બોક્સ 20 કિ.ગ્રા)માં આશરે 1600 કિ.ગ્રા. પનીર (લુઝ) હોવાનું જણાવેલ. આ વાહનમાં રહેલ પનીરનો જથ્થો તેઓની માલિકીનો છે. જે રામકૃષ્ણ ડેરી, મેસવાડ, મહુવા પાસેથી મેળવેલ 8 બીલ તથા ઇ-વે બીલ જે તેઓએ મેળવેલ છે તેમજ તેઓ દ્વારા સપ્લાય કરવામાં આવનાર છે તેમજ સદરહુ પનીર (લુઝ)નો જથ્થો બીલ મુજબ વેંચાણ કિંમત રૂા.190/- પ્રતિ કિ.ગ્રા. મુજબ કુલ 1600 કિ.ગ્રા.જથ્થાની કિંમત રૂા.3,04,000/- થાય છે.

મનપાએ પનીરનો કર્યો હતો નાશ

આ જથ્થાની ગુણવત્તા બાબતે પુછપરછ કરતા ફુડ બીઝનેસ ઓપરેટર ઇમ્તીયાઝભાઇ જુમાભાઇ કાનીયાએ સદરહુ પનીર (લુઝ)નો જથ્થો ભેળસેળયુક્ત હોવાનું સ્વીકાર કરેલ. ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી સદરહુ જથ્થામાંથી પનીર (લુઝ)નો નમુનો લેવામાં આવેલ. ઉપરાંત ભેળસેળયુક્ત પનીરનો જથ્થો બજારમાં વેંચાણ ન થાય તે હેતુથી ફૂડ બિઝનેસ ઓપરેટરની સહમતીથી સદરહુ પનીર (લુઝ)ના આશરે 1600 કિ.ગ્રા. જથ્થાને ડમ્પીંગ યાર્ડ ખાતે નાશ કરવામાં આવેલ હતો.

Back to top button