ગુજરાત

મોડાસાનો વિધર્મી પરણિત યુવક 16 વર્ષીય સગીરાને ભગાડી ગયો, ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ

Text To Speech

અરવલ્લીઃ મોડાસા શહેરના ઈન્દીરાનગર વિસ્તારમાં રહેતો વિધર્મી પરણિત યુવક ભાવસાર વાડામાં રહેતા વેપારીની 16 વર્ષીય પુત્રીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. આ મામલે સગીરાના પિતાએ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને ગણતરીના કલાકોમાં વિધર્મી યુવકને ઝડપી પાડ્યો છે.

મળતી માહિતી પ્રમાણે, મોડાસાના ઈન્દીરાનગર વિસ્તારમાં રહેતો નાજીમ રફીકભાઈ શેખ 16 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ સગીરાને લગ્નની લાલચ આપી બે દિવસ અગાઉ બપોરના સુમારે અપહરણ કરી ફરાર થઇ જતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. પરિવારજનોએ સગીરાની સમગ્ર વિસ્તારમાં શોધખોળ હાથધર્યા પછી સગીરાની કોઈ ભાળ નહીં મળતા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અપહરણકર્તા નાજીમ શેખના દોઢ મહિના અગાઉ લગ્ન થયા હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી.

મોડાસા ટાઉન પોલીસે સગીરાના પિતાની ફરિયાદના આધારે નાજીમ રફીક શેખ સામે ઇપીકો કલમ- 363,366, તથા પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. મોડાસા ટાઉન પોલીસે અપહરણ કરનાર વિધર્મી યુવક નાજીમ શેખને ગણતરીના કલાકોમાં અપહરણનો ભોગ બનનાર સગીરા સાથે દબોચી લઇ સગીરાનો છુટકારો કરાવી નાજીમ શેખને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. પોલીસે સગીરાનું મેડિકલ ચેકઅપ માટે તજવીજ હાથધરી હતી.

Back to top button