કૃષિખેતીગુજરાત

કચ્છ અને સૌરાષ્ટ્રના દૂધ ઉત્પાદક સંઘ માટે રાજ્ય સરકારે 16.89 કરોડની સહાય મંજૂર કરી

  • જૂનાગઢ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘને રૂ.૧૦૬૯.૧૩ લાખની સહાય
  • મોરબી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘને રૂ.૪૭૫.૮૯ લાખની સહાય મંજૂર
  • જામનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘને રૂ.૧૪૪.૦૮ લાખની સહાય અપાઇ

ગાંધીનગર, 9 ડિસેમ્બર 2023, દેશના પશુપાલન અને દૂધ ઉત્પાદન ક્ષેત્રમાં ગુજરાતનું યોગદાન મહત્વપૂર્ણ છે. ગુજરાતના જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘોને વધુ સુદ્રઢ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘોને મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટની સ્થાપના, કેટલફીડ ફેક્ટરીની સ્થાપના, એરીયા સ્પેસિફિક મિનરલ મિક્ષર પ્લાન્ટની સ્થાપના, સાઇલેજ બેલીંગ યુનિટ હાર્વેસ્ટર કમ ચોપર સહિતની વિવિધ માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે જૂનાગઢ, મોરબી અને જામનગર જિલ્લા સહકારી દૂધ સંઘો માટે રાજ્ય સરકારે 16.89 કરોડની સહાય મંજૂર કરી છે.

પ્લાન્ટના ઓટોમેશનથી પ્રોડક્શન કોસ્ટમાં ઘટાડો આવશે
રાઘવજી પટેલે કહ્યું કે, રાજ્ય સરકારના આ પ્રોજેક્ટથી સૌરાષ્ટ-કચ્છ વિસ્તારના પશુપાલકોને દૂધનું સારુ વળતર મળશે અને પશુપાલન વ્યવસાયને વેગ મળશે. જૂનાગઢ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘને 2 LLPD પ્લાન્ટના નવીનીકરણ અને 2 TPD પનીર પ્લાન્ટ સ્થાપના માટે રાજ્ય સરકાર દ્વારા 1069.13 લાખની સહાય મંજૂર કરી છે. આ પ્લાન્ટના ઓટોમેશનથી પ્રોડક્શન કોસ્ટમાં ઘટાડો આવશે અને જિલ્લાના દૂધ ઉત્પાદકોની આવકમાં વધારો થવાથી જૂનાગઢ જિલ્લાના પશુપાલકોની આવકમાં વૃધ્ધિ થશે.

દૂધ તથા દૂધની બનાવટોની ગુણવત્તામાં વધારો થશે
તેમણે કહ્યું કે, મોરબી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના મોર્ડન મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ 2 લાખ લીટર પ્રતિ દિનની સ્થાપના માટે પણ રાજ્ય સરકાર દ્વારા 475.89 લાખની સહાય મંજૂર કરી છે. મયુર ડેરી-મોરબી દ્વારા આ મત્વકાંક્ષી પ્રોજેક્ટ અમલીકરણ થવાથી  દૂધ સંપાદન, દૂધ પ્રોસેસીંગમાં કોલ્ડ ચેઇન મેઇન્ટેનન્સ અને મૂલ્યવર્ધન થકી દૂધ તથા દૂધની બનાવટોની ગુણવત્તામાં વધારો થશે.

રાજ્યમાં સહકારી ક્ષેત્રે સંગઠિત દૂધ સંપાદનમાં વધારો થશે
વધુમાં તેમણે ઉમેર્યું કે, જામનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના એસ્ટાબ્લિસમેન્ટ ઓફ 40 KL BMC બેઝ ક્લસ્ટર મિલ્ક ચિલિંગ સ્ટેશન વિથ સેન્ટ્રલ લેબોરેટરી એન્ડ ગોડાઉનની સ્થાપના માટે રાજ્ય સરકાર દ્વારા 144.8 લાખની સહાય મંજૂર કરવામાં આવી છે. જેનાથી દૂધના ચિલિંગ તથા સ્ટોરેજથી દૂધની ગુણવત્તામાં વધારો થશે, સાથે જ જિલ્લા તથા રાજ્યમાં સહકારી ક્ષેત્રે સંગઠિત દૂધ સંપાદનમાં પણ વધારો થશે.

આ પણ વાંચોઃ કચ્છમાં બન્નીના ઘાસના મેદાનમાં ચિત્તાના સંરક્ષણ માટેના બ્રિડિંગ સેન્ટરને કેન્દ્ર સરકારે મંજૂરી આપી

Back to top button