ઇન્ટરનેશનલ ડેસ્કઃ બુધવારે વહેલી સવારે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના કેટલાક ભાગોમાં 6.1 તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે. જેમાં અંદાજે 155 લોકોએ જીવ ગુમાવ્યો છે.
યુજીએસના જણાવ્યા અનુસાર, ગીચ વસ્તીવાળા દક્ષિણ-પૂર્વ અફઘાનિસ્તાનમાં ખોસ્ટ શહેરથી લગભગ 44 કિમી દૂર 51 કિમીની ઊંડાઈએ ભૂકંપનું એપી સેન્ટર નોંધાયું છે.
તાલિબાન વહીવટીતંત્રના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના વડા મોહમ્મદ નસીમ હક્કાનીએ જણાવ્યું હતું કે, મોટાભાગના મૃતકો પક્તિકા પ્રાંતમાં હતા. જ્યાં 100 લોકો માર્યા ગયા હતા અને 250 ઘાયલ થયા હતા. આ મામલે હાલ અમે તપાસ કરી રહ્યા છીએ.
અહેવાલો સામે આવ્યા છે કે, દેશના પૂર્વી પક્તિકા પ્રાંતમાં ભૂકંપમાં ઓછામાં ઓછા 155 લોકો માર્યા ગયા છે. બખ્તર સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો છે કે, બચાવકર્તા હેલિકોપ્ટર દ્વારા આવી રહ્યા છે. લાહોર, મુલતાન, ક્વેટા અને પાકિસ્તાનના અન્ય કેટલાક વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
તાલિબાન સરકારના ડેપ્યુટી પ્રવક્તા બિલાલ કરીમીએ ટ્વિટર પર લખ્યું, ‘પક્તિકા પ્રાંતના ચાર જિલ્લાઓમાં તીવ્ર ભૂકંપના આંચકાએ અમારા સેંકડો દેશવાસીઓનો જીવ લીધ છે અને કેટલાક લોકોને ઘાયલ કર્યા છે. આ ઉપરાંત કેટલાય લોકોના ઘર તોડી નાંખ્યા છે.’