ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

UNમાં ગાઝા યુદ્ધવિરામનો ઠરાવ પસાર, ભારત સહિત 153 દેશોએ આપ્યું સમર્થન

ન્યૂયોર્ક (અમેરિકા), 13 ડિસેમ્બર: ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના સંઘર્ષ વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ઈમરજન્સી બેઠક બોલાવી હતી. આ બેઠકમાં તાત્કાલિક યુદ્ધવિરામનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં ઠરાવને પસાર કરાયો હતો. 153 દેશોએ આ પ્રસ્તાવની તરફેણમાં મતદાન કર્યું હતું. આમાં ભારત પણ સામેલ છે. દરેકે પોતાનો મત આપીને ગાઝામાં યુદ્ધવિરામની તરફેણમાં પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. બીજી તરફ, 10 દેશોએ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. જ્યારે 23 સભ્ય દેશોએ મતદાનમાં ભાગ લીધો ન હતો.

આ દેશોએ યુદ્ધવિરામ વિરુદ્ધ મતદાન કર્યું હતું

અમેરિકા, ઑસ્ટ્રિયા, ચેક રિપબ્લિક, ગ્વાટેમાલા, ઇઝરાયેલ, લાઇબેરિયા, માઇક્રોનેશિયા, નૌરુ, પાપુઆ ન્યૂ ગિની અને પેરાગ્વેએ યુદ્ધવિરામના વિરુદ્ધ મતદાન કર્યું હતું. અગાઉ, ઇજિપ્તના રાજદૂત અબ્દેલ ખાલેક મહમૂદે યુએન જનરલ એસેમ્બલીમાં ગાઝામાં યુદ્ધવિરામની હાકલ કરતો ઠરાવ રજૂ કર્યો હતો. તેમના ઠરાવમાં ઇજિપ્તે ગયા અઠવાડિયે સુરક્ષા પરિષદમાં યુદ્ધવિરામ માટેના કોલ પર યુએસ વીટોની નિંદા કરી હતી. મહમૂદે કહ્યું કે આ પ્રસ્તાવ યુદ્ધવિરામ માટે ખૂબ જ સ્પષ્ટ છે. તેમણે કહ્યું કે ગયા અઠવાડિયે વિટોનો દુરુપયોગ માનવતાવાદી ધોરણે યુદ્ધવિરામના ઠરાવ સામે કરવામાં આવ્યો હતો, તેમ છતાં તેને 100થી વધુ સભ્ય દેશોનું સમર્થન હતું.

રૂચિરા કંબોજે ભારત વતી સ્ટેન્ડ રજૂ કર્યું હતું

UN જનરલ એસેમ્બલીમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજે કહ્યું કે ભારતે યુએન જનરલ એસેમ્બલી દ્વારા અપનાવવામાં આવેલા ઠરાવની તરફેણમાં મતદાન કર્યું છે. કંબોજે કહ્યું કે, સામાન્ય સભામાં જે સ્થિતિની ચર્ચા થઈ રહી છે તેના ઘણા પરિમાણો છે. 7 ઑક્ટોબરે ઈઝરાયેલ પર આતંકવાદી હુમલો થયો હતો અને ઘણા લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા જે ચિંતાનો વિષય છે. તેમણે વધુમાં કહ્યું કે ગાઝામાં એક વિશાળ માનવીય સંકટ ઉભું થયું છે. નાગરિકોએ મોટા પાયે જીવ ગુમાવ્યા છે. જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો સામેલ છે.

‘એકતરફી’ દરખાસ્તને સમર્થન નથી

સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકી રાજદૂત લિન્ડા થોમસ-ગ્રીનફિલ્ડે કહ્યું કે અમેરિકા યુદ્ધવિરામ પ્રસ્તાવ સાથે સહમત નથી. અમે ફક્ત સંમત છીએ કે ગાઝામાં કોઈ ગંભીર માનવતાવાદી કટોકટી અને નરસંહાર ન હોવો જોઈએ. તેમણે 7 ઓક્ટોબરના રોજ હમાસ દ્વારા કરવામાં આવેલા ઘાતકી હુમલાની નિંદા કરવા માટે સુધારાનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો. અમેરિકી રાજદૂતે યુદ્ધ માટે સીધો હમાસને જવાબદાર ઠેરવ્યો.

આ પણ વાંચો: UNSC : ગાઝામાં યુદ્ધવિરામના પ્રસ્તાવ પર અમેરિકાએ અપનાવ્યો વીટો પાવર

Back to top button