ગુજરાતમધ્ય ગુજરાત

પાદરાના ડબકા ગામમાં ગણેશ પંડાલ બાંધતા 15 યુવાનોને કરંટ લાગ્યો, 1નુ મૃત્યુ, 14 ઇજાગ્રસ્ત

Text To Speech

વડોદરા, 04 સપ્ટેમ્બર 2024, જિલ્લાના પાદરા તાલુકાના ડબકા ગામે વેરાઈ માતા મંદિર પાસે ગણેશ પંડાલ બાંધતા 15 યુવાનોને કરંટ લાગવાની ઘટના બની છે. જેમાં ઘટના સ્થળ પર એક યુવાનનું મૃત્યુ થઈ ગયું છે. જ્યારે અન્ય 14 યુવાનને અલગ અલગ જગ્યાઓ પર ઇજાઓ થઈ છે. લોખંડની એંગલ પંડાલ પરથી પસાર થતા હાઈટેન્શન લાઈનને અડી જતા આ દુર્ઘટના બની હતી. આ બનાવ અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

15 ફૂટ ઉંચો પંડાલ બનાવતા 15 યુવાનને કરંટ લાગ્યો
ડબકા ગામમાં છેલ્લા 40 વર્ષથી ગણેશોત્સવ મનાવવામાં આવે છે. 41માં વર્ષે ગણેશ ઉત્સવ મનાવવા માટે યુવક મંડળના યુવાનો 12 ફૂટની શ્રીજીની સ્થાપના માટે 15 ફૂટ ઉંચો પંડાલ બનાવી રહ્યા હતા. અંધારું હોવાથી પંડાલનો લોખંડનો પોલ 11 KV વીજ લાઇનને અડી જતાં પંડાલ બનાવવાનું કામ કરી રહેલા 15 યુવાનોને કરંટ લાગતા હાહાકાર મચી ગયો હતો. આ ઘટનામાં મૃતક યુવાન પ્રકાશ ઉર્ફ સચિન જાદવ ત્રણ ભાઇમાં બીજા નંબરનો હતો. તે ગામમા પ્રોવિઝન સ્ટોર ચલાવતો હતો. તેને 6 વર્ષની દીકરી છે. પ્રકાશનું મૃત્યુ નિપજતાં પરિવાર સ્તબ્ધ થઇ ગયો છે.

મોડી રાત્રે બનેલી ઘટનાને પગલે ગામ શોકમાં ગરકાવ
ગણેશ મંડળના અગ્રણી મહેશભાઇ જાદવે મીડિયાને જણાવ્યું કે, યુવક મંડળ દ્વારા વડોદરામાં શ્રીજીની મૂર્તિ બુક પણ કરાવી દીધી હતી. શુક્રવારે વડોદરા મૂર્તિ લેવા માટે આવવાના હતા. પરંતુ, મોડી રાત્રે બનેલી ઘટનાને પગલે ગામ શોકમાં ગરકાવ થઇ ગયું છે. મંડળ દ્વારા હવે સોપારીની સ્થાપના કરી ગણેશ ઉત્સવ મનાવવાનો નિર્ણય કર્યો છે.આ બનાવ અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃવડોદરાના પુરગ્રસ્ત વિસ્તારોમાં ભૂખ્યા-તરસ્યા લોકો ધારાસભ્ય અને કોર્પોરેટર પર વિફર્યા

Back to top button