અમદાવાદગુજરાત

વિશ્વ સ્તનપાન સપ્તાહઃ 15 હજાર માતાઓ દૂધનું દાન કરી 12 હજાર બાળકોની પરોક્ષ માતા બની

  • ગાંધીનગરની હ્યુમન મિલ્ક બેંકમાં 415 માતાઓએ 449 બાળકોને આપ્યું નવજીવન
  • અમદાવાદ, ભાવનગર, જામનગર તથા રાજકોટમાં બનશે હ્યુમન મિલ્ક બેંક

ગાંધીનગર, 03 ઓગસ્ટ 2024, બાળકના જન્મથી લઈને છ મહિના સુધી માતાનું દૂધ બાળક માટે અમૃત સમાન છે. પરંતુ જે માતા બાળકને દૂધ નથી આપી શકતી તેવા બાળકો અને આરોગ્યના કારણસર જે બાળકો માતાના દૂઘને સીધુ ગ્રહણ કરવા સક્ષમ નથી હોતા તેવા બાળકોને પોષણક્ષમ આહાર મળી રહે તેમજ બાળ મૃત્યૃદરનું પ્રમાણ ઘટે તેવા ઉમદા આશયથી રાજ્ય સરકારના સહયોગથી સરકારી હોસ્પિટલમાં ‘હ્યુમન મિલ્ક બેંક’ કાર્યરત છે. આ બેંક અનેક નવજાત બાળકોના પોષણનું માધ્યમ બની રહી છે.રાજ્યમાં કાર્યરત ‘હ્યુમન મિલ્ક બેંક’ માં અત્યાર સુધીમાં 15820 માતાઓ દ્વારા અમૃતરૂપી દૂધનું દાન કરાયું છે. જેનો અંદાજે 12403 બાળકોને લાભ અપાયો છે.

છેલ્લા ત્રણ વર્ષમાં 1020 લીટર દૂધ એકત્ર કરાયું
ગુજરાતમાં દર વર્ષે અંદાજે 13 લાખ બાળકોનો જન્મ થાય છે જેમાંથી આશરે 1.3 લાખ પ્રિટર્મ હોય છે અને 18.5% ઓછા વજનવાળા હોય છે. સામાન્ય રીતે તેમની તબીબી પરિસ્થિતિઓને કારણે તેઓ માતાનું દૂધ સીધું ગ્રહણ કરી શકતા નથી. આવા બાળકો માટે આ અન્ય માતાઓ દ્વારા આપવામાં આવેલું દૂધ અમૃત સમાન બને છે. ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતે વર્ષ 2021થી આવી જ એક હ્યુમન મિલ્ક બેંક કાર્યરત છે. આ બેંકમાં અત્યાર સુધી કુલ 415 માતાઓએ પોતાના અમૃતરૂપ દૂધનું દાન કર્યું છે. આ દૂધથી 449બાળકોને નવજીવન મળ્યું છે. આ બેંકમાં છેલ્લા ત્રણ વર્ષમાં 1020 લીટર દૂધ એકત્ર કરાયું છે. આ અભિગમથી રાજ્યના ચાર શહેર સુરત, વડોદરા, વલસાડ અને ગાંધીનગર ખાતે હ્યુમન મિલ્ક બેંક કાર્યરત છે. આ ઉપરાંત વર્ષ 2023-24માં અમદાવાદ, ભાવનગર, જામનગર તથા રાજકોટમાં નવી ચાર હોસ્પિટલમાં હ્યુમન મિલ્ક બેંક શરૂ કરવાની મંજૂરી મળી છે.

માતાનું દૂધ લેવા માટે ઈલેક્ટ્રીક બ્રેસ્ટ પંપનો ઉપયોગ
સગર્ભા મહિલાઓની ડિલીવરી થયા બાદ જો વધારે ફિડીંગ આવતુ હોય તો તેવી માતાઓને બ્રેસ્ટ ફિડીંગનું મહત્વ સમજાવીને સ્ક્રીંનીંગ કરીને તેના બ્લડના રીપોર્ટ કરવામાં આવે છે. જેમાં એચ.આઈ.વી., કમળો, સીફિલીસ જેવા રોગોની તપાસ કર્યા બાદ રીપોર્ટ નોર્મલ આવે તો તેવી માતાઓનું દૂધ લેવામાં આવે છે. માતાનું દૂધ લેવા માટે ઈલેક્ટ્રીક બ્રેસ્ટ પંપનો ઉપયોગ કરવામાં આવે છે. જેનાથી યોગ્ય માત્રામાં અને જરૂર પૂરતું જ માતાનું દૂધ લઇ શકાય અને તેનાથી માતાને કોઈ શારીરિક નૂકસાન કે દર્દ થતું નથી.

બાળકો માટે હ્યુમન મિલ્ક બેંક પ્રાણરક્ષક સાબિત થાય છે
આ ડોનેટ કરેલા દૂધને પેશ્યરાઈઝ્ડ કરી તેનું રેપીડ કુલીંગ થયા બાદ મિલ્કનું સેમ્પલ માઈક્રો બાયોલોજી ડિપાર્ટેમન્ટમાં રીપોર્ટ માટે મોકલાય છે. દૂધનો રીપોર્ટ નોર્મલ આવ્યા બાદ તેને ડીપ-ફ્રિજમાં -18થી -20 ડિગ્રી તાપમાને સ્ટોર કરાય છે. સામાન્ય રીતે 125 MLની એક બોટલમાં ત્રણ માતાઓના દૂધને મિશ્ર કરાય છે. આ સંગ્રહિત અમૃત છ માસ ચાલે છે. આ બેંકમાં અધૂરા માસે જન્મેલા બાળકો જેમનું વજન 1 કિલો 800 ગ્રામથી ઓછું હોય, બાળક કોઈ બીમારીના કારણે ICU માં ભરતી હોય અને તેમની માતા હોસ્પિટલ પહોંચી શક્યા ના હોય તેવા બાળકોને આ દૂધ આપવા માટે પ્રાધાન્ય અપાય છે. આ પરિસ્થિતિમાં બાળકો માટે હ્યુમન મિલ્ક બેંક પ્રાણરક્ષક સાબિત થાય છે.

વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણીનો પ્રારંભ
વિશ્વભરના બાળકોના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ-કાળજી માટે માટે દર વર્ષે 1 થી 7 ઑગસ્ટ દરમિયાન વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાએ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતેથી વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો. આ સપ્તાહ ઉજવણીનો આશય બાળકના જન્મના પ્રથમ કલાકથી જ સ્તનપાનનો પ્રારંભ, છ માસ સુધી ફક્ત સ્તનપાન પર ઉછેર અને 6 માસ બાદ માતાના દૂધની સાથે ઉપરી આહારની શરૂઆતની પરંપરાની જાગૃતિ કેળવવાનો છે. જેથી બાળકના આરોગ્ય અને પોષણ સ્તરમાં સુધારો થઇ શકે અને બાળકનું જીવન બચાવવાની સાથે અમૂલ્ય એવું સ્વસ્થ જીવન ભેટ કરી શકાય.

આ પણ વાંચોઃમુખ્યમંત્રીએ ગુજરાતની 31 નગરપાલિકાઓને સિટી સિવિક સેન્ટરની ભેટ આપી

Back to top button