બીજેપી નેતાની હત્યા કેસમાં PFI અને SDPI સાથે સંકળાયેલા 15 લોકો દોષિત જાહેર
કોચી (કેરળ), 20 જાન્યુઆરી: વર્ષ 2021માં કેરળમાં ભાજપના નેતાની હત્યા કેસમાં કોર્ટનો નિર્ણય આવ્યો છે. કોર્ટે આ હત્યા કેસમાં SDPIના 15 સભ્યોને દોષી ઠેરવ્યા છે. આ ગુનેગારોની સજા હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. માનવામાં આવે છે કે સોમવારે કોર્ટ તમામ ગુનેગારોની સજાની જાહેરાત કરશે. આ કેસમાં 8 આરોપીઓ એવા છે કે જેઓ હત્યા સાથે સીધી રીતે જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે 7 આરોપીઓને હત્યાના કાવતરા સહિત અન્ય આરોપો હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, બીજેપી નેતા રણજીતની તેમના જ ઘરમાં તેમની માતા, પત્ની અને પુત્રીની નજર સામે હત્યા કરાઈ હતી.
તમામ દોષિત PFI અને SDPI સભ્યો
બીજેપી નેતા રણજીત શ્રીનિવાસની હત્યા કેસમાં PFI અને SDPIના 15 સભ્યોને દોષી ઠેરવવામાં આવ્યા છે. ભાજપના નેતાની હત્યાના આ સનસનાટીભર્યા કેસમાં માવેલિકારા એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટ-1એ ચુકાદો સંભળાવ્યો છે. સજા અંગેનો આદેશ સોમવારે આવે તેવી શક્યતા છે. તમામ 15 આરોપીઓ પ્રતિબંધિત સંગઠન PFI અને તેની રાજકીય શાખા SDPIના સભ્યો છે. આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટને જાણવા મળ્યું કે આ રાજકીય હત્યામાં 8 આરોપીઓ સીધા સામેલ છે. અન્યને હત્યાના કાવતરા સહિતના અન્ય આરોપોમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે.
ગુનેગારોએ હત્યાનો બદલો લીધો હતો
બીજેપી નેતા રણજીત શ્રીનિવાસ વ્યવસાયે વકીલ હતા. રણજીતની 19 ડિસેમ્બર 2021ના રોજ અલપ્પુઝાના વેલ્લાકિનારમાં તેમના ઘરમાં તેમની માતા, પત્ની અને નાની પુત્રીની સામે હત્યા કરવામાં આવી હતી. આ મામલે પોલીસનું કહેવું છે કે SDPI લોકોએ રણજીતની હત્યા પહેલા સ્ટેટ સેક્રેટરી કેએસ શાનની હત્યાનો બદલો લેવા માટે આ અંજામ આપ્યો છે. રણજિતની હત્યા એ SDPI લોકો દ્વારા બદલો લેવાની કાર્યવાહી હતી. હવે કોર્ટ દ્વારા ગુનેગારોને કેટલા વર્ષની સજા કરવામાં આવશે તેનો નિર્ણય પણ સોમવારે લેવામાં આવશે.
આ પણ વાંચો: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ગુજરાતની સરકારી શાળાઓ અડધો દિવસ બંધ રાખવા આદેશ