રશિયાના કોસ્ટ્રોમા શહેરના કાફેમાં લાગી ભયંકર આગ, 15 લોકોના મોત, 250 નું રેસ્ક્યું
રશિયાના કોસ્ટ્રોમા શહેરમાં શનિવારે એક કાફેમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે રેસ્ટોરન્ટમાં આગ ત્યારે લાગી જ્યારે એક વ્યક્તિએ લડાઈ બાદ ફ્લેર ગનનો ઉપયોગ કર્યો. બંદૂકના ઉપયોગ બાદ રેસ્ટોરન્ટમાં આગ લાગી અને સ્થિતિ બેકાબૂ બની ગઈ. જોકે આ ઘટનામાં રાહત બચાવ ટીમને રેસ્ટોરન્ટમાં ફસાયેલા 250 લોકોને બચાવવામાં સફળતા મળી હતી. મળતી માહિતી અનુસાર, આગની ઘટના રશિયાની રાજધાની મોસ્કોથી 340 કિમી ઉત્તરમાં સ્થિત કોસ્ટ્રોમા શહેરમાં એક રેસ્ટોરન્ટમાં બની હતી. અધિકારીઓએ જણાવ્યું કે રેસ્ટોરન્ટમાં બે લોકો વચ્ચે કોઈ મુદ્દે ઝઘડો થયો હતો. જે બાદ એકે ફ્લેર ગન વડે ફાયરિંગ કર્યું હતું. જે બાદ રેસ્ટોરન્ટમાં આગ લાગી હતી.
આગને પગલે રેસ્ટોરન્ટમાં નાસભાગ મચી ગઈ હતી અને આ ઘટનામાં 15 લોકો ગૂંગળામણ અને આગને કારણે મૃત્યુ પામ્યા હતા, અધિકારીઓએ જણાવ્યું હતું. ઘટનાની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે રેસ્ટોરન્ટમાં 250થી વધુ લોકો હાજર હતા. માહિતી મળતાં જ રાહત બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને 250 લોકોને બચાવ્યા.
આગ દરમિયાન કાફેની છત તૂટી પડી હતી. અધિકારીઓએ આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ ફ્લેયર બંદૂકનો ઉપયોગ કરનાર વ્યક્તિને શોધી રહી છે.