ભુજની લાલન કોલેજ ખાતે 14માં રાષ્ટ્રીય મતદાતા દિવસની કરાઇ ઉજવણી
- યુવા મતદારો મતદાનનો ઉપયોગ કરી લોકશાહીને મજબૂત બનાવો
- યુવાઓને મતદારયાદીમાં નામ નોંધાવી પોતાના અધિકારનો ઉપયોગ કરવો
- આસપાસના નાગરિકોમાં મતદાન અંગે જાગૃતતા ફેલાવવી
ભુજ, 25 જાન્યુઆરી : ભુજના લાલન કોલેજ ખાતે આજે કલેકટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને ૧૪માં રાષ્ટ્રીય મતદાતા દિવસ-૨૦૨૪ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કલેકટર અમિત અરોરાએ યુવા મતદાઓને મતદાનનો ઉપયોગ કરીને ભારતની લોકશાહીને મજબૂત બનાવવા તેમજ આસપાસના નાગરિકોમાં મતદાન અંગે જાગૃતતા ફેલાવવા અનુરોધ કર્યો હતો. તેમજ, જાગૃત મતદાતાની ભૂમિકા સમજાવતા કહ્યું કે, મતદાન એક અધિકાર છે કોઇપણ અધિકારનો યોગ્ય ઉપયોગ કરવા વ્યકિતમાં યોગ્ય નિર્ણય શક્તિ હોવી જરૂરી છે. આ નિર્ણય શક્તિને ખીલવવા યુવાઓએ સત્યને વળગીને યોગ્ય નિર્ણય લેવો જોઇએ. મતદાન સમયે પણ લોકશાહીના હિતને ધ્યાને રાખીને મતદાન કરવું જોઇએ. સાથે જ, ભારતની ચૂંટણી પ્રક્રિયા અંગે પણજાણકારી આપી.
જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.પ્રજાપતિએ યુવાઓને વ્યકિતગત એમ્બેસડર બની મતદાન અંગે જાગૃતિ ફેલાવવાની સાથે-સાથે અચૂક મતદાન કરવા પણ અપીલ કરી હતી. જે યુવાઓ મતદારનોંધણીથી બાકી રહી ગયા હોય તેઓએ તુરંત નોંધણી કરાવી લેવી.
પશ્ચિમ કચ્છ એસ.પી મહેન્દ્ર બગડીયાએ યુવાઓને મતદાનના અધિકારનું મૂલ્ય સમજીને નિષ્પક્ષ, ભય વગર મતદાન કરવાની સલાહ આપી હતી. તેમજ પરિવાર, સમાજ, ગામ વગેરે જગ્યાએ મતદાન માટે જાગૃતિ લાવવા માટે અપીલ કરી.
આ ઉપરાંત, કાર્યક્રમમાં નવા મતદારોને એપિક કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. મતદાર નોંધણીની કામગીરીમાં જિલ્લાના શ્રેષ્ઠ મતદાર નોંધણી અધિકારી તરીકે ડો.અનિલ જાદવ, રાહુલ ખાંભરા, વિનોદ ચૌહાણ, વંદનાબેન સથવારા, ડો.દિનેશ પટેલ અને સ્નેહા શર્માનુ પ્રમાણપત્ર આપીને સન્માન કરાયું હતું. તેમજ જિલ્લા યુવા મતદાર મહોત્સવ ૨૦૨૩માં કૃતિમાં વિજેતા થયેલા છાત્રો તથા મતદાતાઓનું પણ સન્માન કરાયું હતું.
કાર્યક્રમમાં ભુજ પ્રાંત અધિકારી ડો.એ.બી.જાદવ, જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભુપેન્દ્ર વાધેલા, આર.આર.લાલન કોલજના પ્રિન્સીપાલ છત્રપાલસિંહ ઝાલા તથા મામલતદાર ચૂંટણી એચ.ડી.બારોટ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : પાટણની કે.કે.ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની કરાઈ ઉજવણી