અમદાવાદમાં RTE હેઠળ લીધેલા 140 બોગસ એડમિશન રદ, જાણો શું છે સમગ્ર મામલો?
અમદાવાદ, ૨૨ નવેમ્બર, અમદાવાદમાં મફત શિક્ષણ માટેના નિયમોનું ઉલ્લંઘન થયું છે. અમદાવાદમાં RTE (અધિકાર શિક્ષણ કાયદો) હેઠળ મફત શિક્ષણ માટેના 140 એડમિશન રદ કરવામાં આવ્યા છે. આ એડમિશન રદ કરવા પાછળનું મુખ્ય કારણ એ છે કે કેટલાક પૈસાદાર વાલીઓએ ‘ગરીબ’ હોવાનો દાવો કર્યો હતો, જ્યારે તેમની વાસ્તવિક આવક 24 લાખ હતી પરંતુ એડમિશન મેળવવા માટે માત્ર દોઢ લાખ રૂપિયાની બતાવી હતી. આ મામલે શાળાઓ પણ શંકાના દાયરામાં આવી ગઈ છે, કારણ કે તેઓએ આ પ્રકારના દાવાઓને સ્વીકૃત કર્યા હતા.
વાલીની આવક મર્યાદા દોઢ લાખથી વધુ ના હોવી જોઈએ
શહેરી વિસ્તારમાં RTE હેઠળ પ્રવેશ મેળવવા માટે વાલીની આવક મર્યાદા દોઢ લાખથી વધુ ના હોવી જોઈએ. પરંતુ કેટલાક વાલીઓ આ નિયમને નેવે મુકીને ખોટા દસ્તાવેજ બનાવી, પોતાની આવક છુપાવીને બાળકને RTE હેઠળ એડમિશન અપાવી રહ્યા છે. ખોટા દસ્તાવેજો સાથે પ્રવેશ મેળવી લીધેલા આવા વિદ્યાર્થીઓના વાલીઓના દસ્તાવેજો શાળાઓને ધ્યાને આવતા તેમણે DEO કચેરીમાં સબમિટ કર્યા હતા. જેમના હિયરિંગ બાદ આખરે DEO કચેરીએ આવા 140 જેટલા વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરવાનો નિર્ણય લીધો છે. અમદાવાદ DEOએ આ પ્રકારના ખોટી રીતે આવકના ખોટા પૂરાવા આપી મેળવેલા 140 જેટલા એડમિશન રદ કરવાની સૂચના આપી છે.
વાલીઓની આવક વધુ હોવા છતાં ખોટી આવક દર્શાવી
પ્રવેશ રદ કરાયેલા વિદ્યાર્થીઓએ હવે શાળા બદલવી પડશે અથવા જે તે શાળામાં ભણવું હશે તો ફી ચૂકવવી પડશે. RTE હેઠળ ફાળવવામાં આવેલા એડમિશનમાં કેટલાક એડમિશન શંકાસ્પદ જણાતા સ્કૂલ દ્વારા ખાનગી રીતે તપાસ હાથ ધરવામાં આવી હતી વાલીઓના આવકના પુરાવા તથા ઈન્કમ ટેક્સ રિટર્ન ભેગા કરવામાં આવ્યા હતા. સ્કૂલો DEO કચેરીને પુરાવા સાથે ફરિયાદ કરી હતી. જેમાં સામે આવ્યું હતું કે વાલીઓની આવક વધુ હોવા છતાં ખોટી આવક દર્શાવી વાલીઓએ એડમિશન મેળવ્યા હતા. આ તમામ પુરાવા સાથે સ્કૂલોએ DEOને ફરિયાદ કરી હતી. વધુ આવક હોવા છતાં ઓછી આવક દેખાડી, ખોટા દસ્તાવેજો રજૂ કરીને વાલીઓએ પોતાના બાળકોનું RTE અંતર્ગત એડમિશન કરાવ્યાં હતા.
અમદાવાદની આર પી વસાણી શાળાએ આપેલા ડોક્યુમેન્ટ મુજબ તેમની શાળામાં પ્રવેશ મેળવનાર 11 વિદ્યાર્થીઓના વાલીઓની આવક 4 લાખથી લઈ 24 લાખ રૂપિયા સુધીની હોવાનું તપાસમાં સામે આવ્યું. જેની સાથે ઉદગમ સ્કૂલ, કેલોરેક્સ સ્કૂલ, ઝેબર સ્કૂલ, KN પટેલ સ્કૂલ, ગ્લોબલ ઇન્ડિયન સ્કૂલ, જેન્ટ્સ જીનીસિસ સ્કૂલના RTEના આવા એડમિશન રદ્દ કરવામાં આવ્યા છે, જેમાં સૌથી વધુ ઉદગમ સ્કૂલ, કેલોરેક્સ સ્કૂલના એડમિશન રદ્દ કરાયા છે. આવા વાલીઓના બાળકોના પ્રવેશ રદ્દ કરવાનો તો નિર્ણય લેવાઈ ગયો છે. પણ સાથે જ શાળા ઈચ્છે તો ખોટા ડોક્યુમેન્ટ બદલ પોલીસ ફરિયાદ સુધીની કાર્યવાહી પણ થઈ શકે. આ પ્રકારે કેટલાક વાલીઓ પોતાના બાળકને શહેરની સારી શાળામાં પ્રવેશ અપાવવા માટે ગરીબ પરિવારના તેજસ્વી વિદ્યાર્થીઓનો હક્ક છીનવી રહ્યા છે. આવા વાલીઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી થશે તો જ આ પ્રકારની ઘટનાઓ અટકશે.
આ પણ વાંચો…JEE Mainના વિદ્યાર્થીઓ માટે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા Target 99 Percentile પ્રોગ્રામનું આયોજન